રોટરી ક્લબ દ્વારા વૃક્ષારોપણ, રક્તદાન, આરોગ્યલક્ષી પ્રકલ્પ સહિતના સેવાકીય કાર્યો કરાશે

રોટરી ક્લબ દ્વારા વૃક્ષારોપણ, રક્તદાન,  આરોગ્યલક્ષી પ્રકલ્પ સહિતના સેવાકીય કાર્યો કરાશે
ગાંધીધામ, તા. 15 : અહીંની સેવાકીય કાર્યો કરતી સંસ્થા ગાંધીધામ રોટરી કલબના વર્ષ 2018-19ના નવા પદાધિકારીઓનો શપથવિધિ સમારોહ તાજેતરમાં યોજાઇ ગયો. આ વેળાએ કલબના પૂર્વ પ્રમુખોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. નવા વરાયેલા પ્રમુખ અમિત જૈન, સેક્રેટરી ભગવાનદાસ ગુપ્તાને પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લલિત શર્માએ શપથ લેવડાવ્યા હતા. વર્તમાન પ્રમુખ રવીન મડૈયાર અને સેક્રેટરી રોહિત ઠક્કર દ્વારા રોટરીની કોલર બદલાવી તેમને પદ પર આરૂઢ કરાયા હતા. આ જ પ્રકારે બોર્ડના અન્ય 24 સદસ્યોને પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા અને પીન પહેરાવી નિમણૂક કરાઇ હતી. ઇન્નરવ્હીલ કલબના પ્રમુખ મનમીત કૌર અને મંત્રી નીતા નિદલાણી અને તેમના ચૂંટાયેલા નવા બોર્ડને અર્ચના જૈને શપથ લેવડાવ્યા હતા. રોટરેક્ટ કલબના નવા વરાયેલા પ્રમુખ જયદીપ ગજ્જર અને મંત્રી જયદીપ આસનાનીને ડિસ્ટ્રીક્ટ રોટરેક્ટ પ્રેસિડેન્ટ આયુષ શર્મા દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. ડિસ્ટ્રીક્ટ 3054ના નવા ડિસ્ટ્રીક્ટ રોટરેક્ટ રિપ્રેઝન્ટેટિવ આયુષ શર્મા ગાંધીધામના છે. ઇન્ટરેક્ટ કલબ જી લીટેરા સ્કૂલની શપથવિધિ આસિસ્ટન્ટ ગવર્નર કૌશિક શાહે કરાવી હતી જેના પ્રમુખ તરીકે કુ. શ્રેયા અને મંત્રી તરીકે કુ. ઉર્વશીની વરણી કરાઇ હતી. સમગ્ર કાર્યવાહી દરમ્યાન હર્ષદ ઉદેશી, દિનેશ ઠક્કર, ગાંધીધામ રોટરી કલબના 18 પૂર્વ પ્રમુખો, ચેમ્બર પ્રમુખ બાબુભાઇ હુંબલ, રોટરી કલબ આદિપુર મિડટાઉન, મુંદરા, અંજાર, ભચાઉના કલબના પદાધિકારીઓ જોડાયા હતા. નવા વરાયેલા પ્રમુખ અમિત જૈને વર્ષ 2018-19 માટે સમાજસેવાના વિવિધ કાર્યોની જાણકારી આપતાં વિઝન-2018-19ની જાણકારી આપી હતી, જેમાં પરમેનન્ટ પ્રોજેક્ટ તરીકે 11 શાળાઓના બાથરૂમની સુવિધા કરવી, 111 મેડિકલ પ્રોજેક્ટો, 1111 યુનિટ રક્તદાન, 11,111 વૃક્ષોનું વાવેતર, અથવા ભેટ આપવા. આ ટીમે આમ 1,11,111 લોકો સુધી પહોંચી તેમનો સંપર્ક કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. ઉપસ્થિત સૌને લોકઉપયોગી કાર્યો માટે મદદરૂપ થવા આગળ આવવા અનુરોધ કરાયો હતો. મિતેશ ધરમશી, બાબુભાઇ હુંબલ, અન્યોએ સહકારની ખાતરી આપી હતી. માંડવીના કૌશિક શાહે મેડિકલ સંબંધી પ્રકલ્પો માટે સહયોગની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં રોટરી કલબની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતાં હયાત કલબના પૂર્વ પ્રમુખોને પત્ની સહિત આમંત્રિત કરાયા હતા. તમામ પૂર્વ પ્રમુખોનું સન્માન કરાયું હતું. સંચાલન ભૈરવી જૈને સંભાળ્યું હતું. વ્યવસ્થા જગદીશ નાહટાએ સંભાળી હતી. આભારવિધિ ભગવાનદાસ ગુપ્તાએ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer