પૂર્વ કચ્છમાં સંચાર નિગમની કથળતી સેવાથી મુશ્કેલી

ગાંધીધામ, તા. 16 : પૂર્વ કચ્છમાં દૂરસંચાર નિગમની સેવા કથળી રહી છે. જિલ્લાના આર્થિક પાટનગર એવા ગાંધીધામ સંકુલમાં વારંવાર ઇન્ટરનેટની સેવા ખોડંગાતી હોવાથી આંતરરાષ્ટ્રીય બજારથી સંકળાયેલા આ સંકુલના વેપારીઓને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવે છે. તો સરકારી કચેરીઓમાં નેટ બંધ રહેતાં અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે. બીજીબાજુ વાગડના ભચાઉ, લાકડિયા, આડેસર, રાપર વગેરેના પોલીસ મથકોના ફોન ચાલુ કરવામાં બી.એસ.એન.એલ.ને રસ જ ન હોય તેમ આ ફોન ચાલુ થતાં જ નથી. વૈશ્વિકરણ અને આધુનિકરણના આ જમાનામાં ખાનગી કંપનીઓ પોતાના ગ્રાહકોને નીતનવી સેવાઓ પૂરી પાડી અને ગ્રાહકોને આકર્ષી રહી છે, બીજીબાજુ ભારતસંચાર નિગમ ઊંધું કરી રહી હોય તેવું લોકોને લાગી રહ્યું છે. પૂર્વ કચ્છમાં અનેક શહેરો, ગામડાઓમાં આ નિગમની સેવા ખાડે ગઇ છે. હજુ તો વરસાદ નથી આવ્યો ને આ હાલત છે તો વરસાદમાં શું હાલ થશે તેવું લોકો પૂછી રહ્યા છે. જિલ્લાનું આર્થિક પાટનગર એવું ગાંધીધામ સંકુલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બજાર સાથે સંકળાયેલું છે. આવામાં બી.એસ.એન.એલ.નું નેટ બંધ રહે તે વેપારીઓને પોષાય તેમ નથી. તેમ છતાં અનેક વખત કલાકો સુધી આ સેવામાં ખોટીપો સર્જાય છે જેના કારણે વેપારીઓને માથું પછાડવાનો વારો આવે છે. તો અહીંની મામલતદાર, રજિસ્ટ્રાર કચેરી, પાલિકા, પોસ્ટ ઓફિસ, આદિપુરની પોસ્ટ ઓફિસ, પી.જી.વી.સી.એલ., અંજારની આર.ટી.ઓ. કચેરી વગેરેમાં ઇન્ટરનેટ બંધ રહેતાં અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે. આવા સમયે અનેક વખત સરકારી કર્મીઓ અને અરજદારો વચ્ચે માથાકૂટ પણ સર્જાતી હોય છે. તો બીજીબાજુ વાગડ પંથકના ભચાઉ, આડેસર, સામખિયાળી, લાકડિયા વગેરેના પોલીસ મથકોમાં બી.એસ.એન.એલ.એ જાણે ફોન ચાલુ ન કરવાના સમ લીધા હોય તેમ ફોન ચાલુ થતાં જ નથી. આવામાં કોઇ મોટી બબાલ થાય કે અન્ય કોઇ અનિચ્છનીય બનાવ બને તો દૂરના ગામડાના લોકો ક્યાં જાય તેવા પ્રશ્નો કરી રહ્યા છે. આ તંત્ર પોતાની સેવા નહીં સુધારે તો પોતાના ગ્રાહકો ખોવાનો વારો આવશે તેમજ હરીફાઇના આ જમાનામાં બહાર ફેંકાઇ જશે તેવી ચર્ચા બુદ્ધિજીવી વર્ગમાં થઇ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer