ભુજ ટાઉન હોલની લાખોની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ કયાં પગ કરી ગઇ ?

ભુજ, તા. 16 : શહેરની સાંસ્કૃતિક પ્રવૃત્તિનું કેન્દ્ર એવા એક માત્ર ટાઉન હોલમાં વિવિધ સંસ્થાઓ અને કલાકારોના ઉહાપોહના પગલે લાખોના ખર્ચે નવીનીકરણ કરાયું છે, પરંતુ એકા એક મોંઘેરી સાઉન્ડ સર્વિસ ભેદી રીતે ગુમ થવાની વાત બહાર આવી છે, જોકે સત્તાવાળાઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા કલાકારોના કહેવા અનુસાર બીજી વખત ટાઉનહોલ સેવારત થયો ત્યારે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ ખરીદાઇ હતી, જેમાં બ્રાન્ડેડ કંપનીના માઇક, આઠેક નંગ બટન માઇક, બે કોર્ડલેસ, સ્પોટલાઇટ, ગ્રીનરૂમની લાઇટીંગ જોઇને કલાકારો રાજીના રેડ થઇ ગયા હતા. પરંતુ વખત જતાં સાઉન્ડની સેવા ધીમે ધીમે સંકેલાતી ગઇ છે, પરિણામે આજે હવે કોઇને પણ કાર્યક્રમ કરવો હોય તો તેને એક તો ટાઉન હોલનું ભાડું ખર્ચવું પડે અને ઉપરથી સાઉન્ડ સિસ્ટમ પણ ભાડે લેવી પડે તેમ છે. વધુમાં સ્ટેજ પરની સ્પોટ લાઇટ કાઢી લેવાઇ છે, ગ્રીન રૂમના મેકઅપ અરીસા આસપાસના તમામ બલ્બ યા તો ચોરાઇ ગયા છે, અથવા કાઢી લેવાયા છે. આ અંગે ટાઉનહોલના લોકાર્પણ પહેલાં ખરીદી કરાઇ ત્યારે સાઉન્ડ લાઇટના અંદાજે 50 લાખના ખર્ચે સાઉન્ડની સામગ્રી ખરીદાઇ હતી તેવું ખુદ નગરપાલિકાના પૂર્વ કર્મચારીઓનું કહેવું છે. છતાંયે થોડા સમય પૂર્વે ભાજપના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા ત્યારે ટાઉન હોલમાં એક જ કોર્ડલેસ માઇક જોઇને સુધરાઇના એક પદાધિકારી ચોંકી ઊઠયા હતા. કારણ કે એક જ માઇક સંચાલક પાસે હતું તે મંત્રીને આપવું પડે તેમ હતું. પદાધિકારી પરિસ્થિતિ પામી ગયા અને તુરત જ ગામમાં ભાડે સાઉન્ડ સર્વિસ મગાવી પ્રસંગ સાચવી લીધો હતો. તાજેતરમાં સુધરાઇના વર્તુળોને સાઉન્ડ સિસ્ટમ વિશે પૂછતાં તેમણે કહ્યું પોતાને જે ચાર્જમાં સામાન મળ્યો છે તેનાથી કામ ચલાવી લેવાય છે. બીજી તરફ છેલ્લા પાંચેક મહિના જે કર્મચારીને સાઉન્ડનો હવાલો સોંપાયો છે, તેને પણ ચાર્જમાં એક બટન માઇક, સાત વાયરવાળા માઇક અને એક કોર્ડલેસ માઇક છે તે સિવાય પોતે અન્ય અદ્યતન સાધનો વિશે સ્વાભાવિક રીતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer