સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાને અગત્યની ગણાવાઈ

સામાજિક ઉત્થાનમાં મહિલાઓની   ભૂમિકાને અગત્યની ગણાવાઈ
ભુજ, તા. 16 : વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન મહાજન-ભુજ દ્વારા મહિલાઓના ઉત્કર્ષ અને સ્વનિર્ભર બનાવવાના મુખ્ય લક્ષ્ય સાથે વીબીસી મોલનું આયોજન સમસ્ત જૈન સમાજની મહિલાઓ માટે સમાજના પ્રમુખ અશોકભાઈ ખંડોલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. વીબીસી મોલને પ્રમુખે ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ પ્રાસંગિક પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે, સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી વાડીલાલ મહેતાએ જણાવ્યું હતું કે, મહિલાઓ સ્વાવલંબી બની અને ધંધાકીય ક્ષેત્રે પોતાની આવડત દ્વારા મોલના માધ્યમથી આર્થિક ઉપાર્જન કરી શકશે. પ્રારંભમાં યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ મહેતા તથા કારોબારી સભ્યો, મહિલા મંડળના પ્રમુખ કલાબેન શેઠ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વીબીસી મહાજનના ઉપપ્રમુખ રાજેશ વોરા, સહમંત્રી ધનસુખ દોશી, ખજાનચી પ્રકાશ મહેતા તથા કારોબારી સભ્યોએ સહયોગ આપ્યો હતો, તેવું મીડિયા કમિટીના કન્વીનર હિતેશ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer