-તો 31 જુલાઇ પછી કચ્છ ઉપર જળસંકટ

ગિરીશ જોશી દ્વારા ભુજ, તા. 17 : કચ્છ ઉપર આકાશમાં વરસાદી વાદળ ઘેરાયેલાં છે છતાં વરસાદ વરસતો નથી ને જગતનો તાત ચિંતિત છે તેની વચ્ચે કચ્છમાં પીવાનાં પાણીની સમસ્યા દિવસો દિવસ વધતી જાય છે. જો 31 જુલાઇ સુધીમાં આકાશી પાણી નહીં વરસે તો મોટું જળસંકટ સર્જાય તેવી ભીતિ જોવા મળે છે કારણ કે પીવાનાં પાણીના તમામ સ્રોત 31 જુલાઇ સુધી ચાલે તેમ છે. કચ્છની 20 લાખની માનવ વસ્તી ઉપરાંત પશુપાલનની સંખ્યાને જોતાં દૈનિક 400 એમ.એલ.ડી.ની પેયજળની જરૂરિયાત છે, પરંતુ પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે કચ્છના સ્થાનિક સોર્સને બદલે મોટાભાગનો આધાર એ નર્મદાનાં પાણી છે. હાલમાં મુખ્યત્વે ટપ્પર ડેમમાંથી દરરોજ 90 એમ.એલ.ડી. પાણી લેવામાં આવે છે. વર્તમાન સ્થિતિ જોતાં નર્મદાની કેનાલ બંધ છે પરંતુ ટપ્પર ડેમ 310 એમ.સી.એફ.ટી.થી ભરાયેલું છે. રોજની જરૂરિયાતને જોતાં 31 જુલાઇ સુધી પાણી ચાલી શકે છે. એવી જ રીતે અન્ય જળાશયોની વાત કરીએ તો અબડાસામાં મીઠી, લખપતમાં ગોધાતડ, ભુજ તાલુકામાં બાંડી, નખત્રાણામાં ગજણસર, રાપરમાં સુવઇ તથા ફતેહગઢ આ તમામ ડેમમાંથી જે તે વિસ્તારોમાં પીવાનું પાણી પાણી પુરવઠા બોર્ડ તરફથી વિતરીત કરવામાં આવે છે. મળેલી માહિતી પ્રમાણે માળિયાથી આવતી નર્મદાની પીવાની પાઇપલાઇનમાં દરરોજ 170 એમ.એલ.ડી. પાણી આવે છે. 170 પાઇપલાઇન ઉપરાંત ટપ્પરનું 90 એમ.એલ.ડી. તેમજ બાકીના જળાશયો તથા બોર મળીને કચ્છની માંગ સંતોષવામાં આવે છે. કચ્છના નસીબ એ સારા છે કે નર્મદા ડેમ વિસ્તારમાં વરસાદ સારો થઇ ગયો હોવાથી અત્યારે 113 ફૂટની સપાટી સુધી પાણી ભરાઇ ગયાં છે. હજુ કચ્છમાં વરસાદ થયો નથી અને જે વર્તમાન જળાશયોની સ્થિતિ છે તેમાં 31 જુલાઇ સુધી ચાલી શકે તેટલો જ પાણીનો જથ્થો હોવાથી ખુદ પાણી પુરવઠા બોર્ડ પણ ચિંતિત છે અને 31 જુલાઇ પછીની સ્થિતિને પહોંચી વળવાની કવાયત અત્યારથી જ આદરી છે. આ બાબતે પાણી પુરવઠા બોર્ડના અધીક્ષક ઇજનેર એલ. જે. ફફલનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, હા, વાત સાચી છે પરંતુ સ્થિતિને પહોંચી વળવાના પૂરતા પ્રયાસ ચાલુ છે કારણ કે ટપ્પર ડેમને ભરવા અને જે ઘટ થશે તે પૂરી કરવાની સિંચાઇ વિભાગને જાણ કરવામાં આવી છે. સિંચાઇના પાણી શરૂ કરીને ટપ્પર ડેમ ભરવામાં આવશે. વિશેષમાં પાઇપલાઇનની ક્ષમતા માળિયાથી વધારવાના પ્રયાસ ચાલુ હોવાથી જો 31 પછી વરસાદ ખેંચાશે તો પણ પીવાનાં પાણીની ખાધ ન થાય તે માટે પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer