વિવાદી કિસ્સામાં `યુ ટર્ન'', સુરતની યુવતીએ દુષ્કર્મ કિસ્સાની અરજી સ્થગિત કરાવી

ભુજ, તા. 16 : રાજકીય રંગ પકડી ચૂકેલા દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગ સહિતના ગંભીર આરોપોવાળા મામલામાં આજે અચાનક `યુ ટર્ન' આવ્યો હતો. કચ્છના રાજકીય આગેવાન સામે છ દિવસ પહેલાં અત્યંત ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ-અરજી કરનારી સુરતના નાના વરાછાની યુવતીએ પોલીસને તેની અરજી સ્થગિત રાખવાનું વિધિવત રીતે લેખિતમાં જણાવતાં આ મામલો `સુલટી' ગયો હોવાનો અહેસાસ થઇ રહ્યો છે. બીજીબાજુ આ પ્રકરણ અન્વયે મંગળવારે ગાંધીનગર ખાતે નીકળનારી રેલી અને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ પણ મુલ્તવી રાખવાની ઘોષણા કરાઇ છે. બહાર આવેલી વિગતો અનુસાર ગત તા. 10મી જુલાઇના પોલીસને દુષ્કર્મ અને વીડિયો કલીપિંગના આધારે બ્લેકમેઇલ સહિતના આરોપો સાથેની અરજી આપનારી કહેવાતી નાના વરાછા સુરતની 21 વર્ષીય યુવતીએ આજે સુરતના સરથાણા પોલીસ મથકને અન્ય એક લેખિત અરજી આપીને પોતાની અગાઉની અરજી હાલતુરત સ્થગિત રાખવાની માગણી કરતી રજૂઆત કરી હતી. પ્રદેશ ભાજપના માજી ઉપાઘ્યક્ષ અને કચ્છ ભાજપના માજી પ્રમુખ તથા માજી ધારાસભ્ય જયંતીભાઇ પુરુષોતમ ભાનુશાલી સામે 10મી જુલાઇના પોતે અરજી આપ્યા બાદ પોતે હાલમાં ખૂબ જ માનસિક તણાવમાં હોવાથી પોલીસ સમક્ષ ઉપસ્થિત થઇ શકે તેમ નથી તેવું જણાવીને યુવતીએ આ ફરિયાદ અરજી બાબતે પોતાને કોઇ જ કાર્યવાહી હાલતુરત કરવી નથી અને પોતે ટુંક સમયમાં પોલીસ સમક્ષ નિવેદન લખાવવા માટે હાજર થશે તેવું ઉમેરીને 10મી તારીખવાળી અરજી હાલતુરત સ્થગિત રાખવા જણાવ્યું હતું. દરમ્યાન છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચકચારી બનેલા અને રાજકીય રંગે રંગાઇ ચૂકેલા આ કિસ્સામાં અચાનક આવેલા `યુ ટર્ન' વચ્ચે જયંતીભાઇ ભાનુશાલીના સમર્થનમાં આગામી મંગળવાર તા. 17ના ગાંધીનગર ખાતે રેલી કાઢીને મુખ્યમંત્રી તથા ભાજપના અન્ય આગેવાનોને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ મુલ્તવી રાખવામાં આવ્યો છે. અલબત્ત આ અંગેની માહિતી આજે સવારથી જ સોશિયલ મીડિયા મારફતે વિવિધ વોટસએપ ગ્રુપોમાં વહેતી થઇ હતી. આ પછી સાંજે નાના વરાછાની યુવતીએ અગાઉની ફરિયાદ-અરજી સ્થગિત રાખવા માટે કરેલી અરજી પણ વોટસએપમાં વહેતી થઇ હતી. આ વચ્ચે માહિતગાર સૂત્રોએ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે પક્ષની `ઇમેજ'ને થઇ રહેલા નુકસાનને કેન્દ્રમાં રાખીને સુપ્રીમો સ્તરેથી કરાયેલી કડક તાકિદ બાદ લગાવાયેલા એડીચોટીના જોર થકી પ્રકરણમાં યુ ટર્ન આવ્યાનું મનાય છે. આ માટે આજે યોજાયેલી બેઠકમાં યુવતી અને તેના માતાપિતા તથા તેમને તેડી આવનારા બે જણ સાથે કચ્છના અબડાસાની ચૂંટણીઓ સમયે હંમેશાં `કી-રૂપ' ભૂમિકા ભજવતા આવેલા રાજકીય માથાએ સમગ્ર દોર સંભાળી મામલો સુલ્ટાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer