ભુજમાં ગેરકાયદે રીતે ગટરના પાણી મેળવનાર 38 જણાને નોટિસ

ભુજ, તા. 16 : શહેરમાં નાગોર રોડ, એરપોર્ટ, મંગલમ્ રેસિ. સામે વાડીઓમાં ગેરકાયદેસર રીતે ગટરનાં પાણી ખેંચનારા 38 વાડીમાલિકોને નોટિસ પાઠવી સુધરાઇમાં નાણાં ભરી જવા તાકીદ કરાઇ છે. ભુજ સુધરાઇની ગટર શાખા દ્વારા નાગોર, એરપોર્ટ, મંગલમ્ રેસિ. માર્ગે 38 વાડીમાલિકોને નોટિસ પાઠવી મલિન જળના રૂપિયા નગરપાલિકા ખાતે જમા કરાવી જવા અને જો નિયમ મુજબ નાણાં નહીં ભરાય તો ફોજદારી તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવી તાકીદ પણ કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમુક વાડીમાલિકો લાઇનમાં ડૂચા મારી ગટરનું પાણી પંપ વાટે ખેંચી વાડીમાં ઉ5યોગ કરતા હોવાની અનેક વખત ફરિયાદ ઊઠી છે. વિપક્ષે તો સ્થાનિકે લાગેલા પંપ સાથે ભાડાં ફોડવા છતાં સુધરાઇ દ્વારા નામ પૂરતી કાર્યવાહી કરાતાં ગેરકાયદેસર પાણી ખેંચનારાઓને બળ મળવા સાથે આવા લોકોની સંખ્યા પણ વધતી જાય છે. આ વખતે નોટિસ તો પાઠવાઇ છે પણ કેટલું કડક વલણ અપનાવાય છે તેના પર મીટ મંડાઇ છે. જો વસૂલાત કરાય તો નગરપાલિકાની તિજોરીને પણ આવક થાય.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer