ભુજપુરમાંથી ગુમ 11 વર્ષીય બાળકને પોલીસે શોધી કાઢયો

ગાંધીધામ, તા. 16 : મુંદરા તાલુકાનાં ભુજપુરમાંથી ગુમ થયેલા 11 વર્ષીય બાળકને પોલીસે શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી દીધો હતો. ભુજપુરમાં રહેનારા મંગલપ્રસાદ પાંચાલાલ લોહાર અને શીલાદેવીનો પુત્ર મુકેશ (ઉ.વ. 11) ગઇકાલે સવારે હું રમવા જાઉં છું કહીને ઘરેથી નીકળી ગયો હતો. સાંજ સુધી તે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. સમગ્ર રાત દરમ્યાન તેની શોધખોળ છતાં કોઇ પતો ન લાગતાં અંતે પોલીસની મદદ લેવામાં આવી હતી. પોલીસે 15 જેટલા પોલીસ કર્મીઓની જુદી જુદી ટીમ બનાવી આ બાળકની શોધખોળ હાથ ધરી હતી. આ ટીમો પૈકી હરેશ સોમૈયા, શક્તિસિંહ અને કુલદીપસિંહ તેને શોધી રહ્યા હતા. ત્યારે ભુજપુરના ખાખરા વિસ્તારમાંથી આ ગુમ થયેલું બાળક મળી આવ્યું હતું. તેની પૂછપરછ કરાતાં પોતાને તેના પિતા બહાર રમવા જવાની ના પાડી હતી છતાં હું રમવા ગયો હતો. જેનાં કારણે ખાખરા વિસ્તારમાં બીકનો માર્યો એક ખંડેર જગ્યામાં સંતાઇ ગયો હતો તેમજ રાતવાસો પણ આ ખંડેર જગ્યામાં જ કર્યો હતો તેવી કેફિયત તેણે અંતે આપી હતી. આ બાળક તેના માતા-પિતાને સોંપી દેવામાં આવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer