અબડાસાના વાડાપદ્ધર વાડી વિસ્તારમાં સિંગલ ફેઝ બંધ કરાતાં ખેડૂતો મુશ્કેલીમાં

નલિયા, તા. 15 : અબડાસાના વાડાપદ્ધર વાડી વિસ્તારમાં ઓછા વોલ્ટેજની સમસ્યા નિવારવા `ખરાડી' ફીડરનું બે ભાગમાં વિભાજન કરાતાં અંશત: વાડી વિસ્તારમાં ઓછા વોલ્ટેજની સમસ્યા દૂર થઇ છે. પણ વાડી વિસ્તારમાં સિંગલ ફેશ વીજ પુરવઠો સદંતર બંધ કરી દેવાતાં ખેડૂતો નવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે કેટલાક ખેડૂતોના જણાવ્યાનુસાર વાડાપદ્ધર વાડી વિસ્તારને નલિયા 66 કે.વી.માંથી ખેતી વિષયક વિદ્યુત પુરવઠો મળે છે. ઓછા વોલ્ટેજની સમસ્યા દૂર કરવા એક ફીડરનું બે ભાગમાં વિભાજન કરાતાં ઓછા વોલ્ટેજની સમસ્યા મહદ્અંશે દૂર થઇ, પરંતુ ખેડૂતોની વાડીમાં ઘરેલુ વપરાશ માટે અલાયદા મીટર છે, જેમાં અગાઉ સિંગલ ફેશ વીજ પુરવઠો મળતો હતો. જે છેલ્લા એક અઠવાડિયાથી વાડીમાં ઘરેલુ વીજ મીટર સદંતર બંધ થઇ જતાં 50થી 60 ખેડૂતોના ઘેર વીજળી પુરવઠો સદંતર ઠપ થઇ જતાં નવી મુશ્કેલી ઊભી થઇ છે. કોઠારા વીજ કચેરી હસ્તે આ વિસ્તાર આવરી લેવાયો છે. ત્યાં રજૂઆત કરાતાં કેબલ ઉપલબ્ધ ન હોવાના કારણે આ મુશ્કેલી સર્જાઇ હોવાનું તંત્રવાહકો જણાવી રહ્યા છે પણ મુશ્કેલી દૂર કરવા કોઇ પગલાં લેવામાં ન આવતાં ગ્રાહકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer