ફતેહગઢ-સુવઈ ડેમમાંથી ફિલ્ટર ક્લોરીનયુક્ત પાણી આપવા માંગ

રાપર, તા. 16 : પાણી પુરવઠા વિભાગના તત્કાલીન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રાપર તાલુકાના ફતેહગઢ તેમજ સુવઈ ડેમમાંથી ફિલ્ટર તેમજ ક્લોરીનયુક્ત પીવાનું પાણી આપવા તેમજ શહેર માટે નગરપાલિકા દ્વારા અંદાજે સવા બેથી અઢી કરોડના ખર્ચે બનેલ ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા ચાર મહિનાથી બંધ છે, જે તાત્કાલિક ચાલુ કરવા ધારાસભ્યએ રજૂઆત કરી હતી. રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા દ્વારા તેમના મતવિસ્તાર હેઠળના ફતેહગઢ ડેમમાંથી માંજુવાસ, મોમાયમોરા, ફતેહગઢ, દેવીસરવાંઢ, સુજાપરવાંઢ જેવા ગામોને પીવાનું પાણી મળે છે. તેમજ સુવઈ ડેમમાંથી ગવરીપર, નારણપર જેવા ગામોમાં હાલમાં પીવાનું પાણી આ વિસ્તારના લોકોને અપાય છે. આ પાણીનું ફિલ્ટર કે ક્લોરીન કરાતું નથી. જેથી વિસ્તારમાં ગંભીર રોગચાળો ફેલાય તેવી ભીતિ વ્યક્ત કરી આ પાણી ફિલ્ટર તેમજ ક્લોરીન કરીને લોકોને મળે તેવી માગણી કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાપર નગરપાલિકા દ્વારા અંદાજે સવા બેથી અઢી કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવાયો હતો. જે છેલ્લા ચાર મહિનાથી બંધ છે. જેને તાત્કાલિક ચાલુ કરાય તેવી લેખિત રજૂઆત કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer