ડીપીટીને બંદર કામદારોના પેન્શન માટે 1051 કરોડનો બોજો પડશે

ગાંધીધામ, તા. 16 : દેશના 11 મહાબંદરોના કામદારોને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માફક પેન્શન યોજનાનો લાભ મળે તે સંદર્ભે ગોવા પોર્ટ પર પાંચેય મહાસંઘોના નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. દેશના તમામ પોર્ટના 1/1/2017 સુધી 1,05,330 પેન્શનરો છે, જેમાં દીનદયાળ પોર્ટ ખાતે 3,211 પેન્શનરો છે. આ પેન્શનરોને પોર્ટના પેન્શનનો લાભ મળી રહ્યો છે, પરંતુ ઘણા સમયથી કેન્દ્રના કર્મચારીઓને મળતા પેન્શનના લાભ માટે વર્ષોથી પાંચેય મહાસંઘો શિપિંગ મંત્રાલય સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે. 18/6ના શિપિંગ સેક્રેટરીએ સૈદ્ધાંતિકરૂપે અને પછી બી.ડબલ્યુ.એન.સી.ની બેઠકમાં પણ પોર્ટ અને ગોદી કામદારોને કેન્દ્રના પેન્શનનો લાભ મળે તેવો નિર્ણય લેવાયો છે. મહાબંદરગાહોમાં પેન્શનનો વાર્ષિક ખર્ચ 2,181 કરોડ થાય છે અને નવી પેન્શન યોજનાનું સમાધાન થશે ત્યારે હાલ મળતા પેન્શનમાં 5થી 7 હજારનો ફાયદો થશે. ગોવા પોર્ટ પર પાંચેય મહાસંઘના નેતાઓ દ્વારા કેન્દ્ર સમક્ષ પોતાની ઈચ્છિત યોજના તૈયાર કરવામાં આવી છે, જે નજીકના દિવસોમાં શિપિંગ મંત્રાલય સમક્ષ મૂકવામાં આવશે તેવું ઈન્ટુક પોર્ટ ફેડરેશનના કાર્યકારી પ્રમુખ અને કંડલા પોર્ટ કર્મચારી સંઘના પ્રમુખ મોહન આસવાણીએ જણાવ્યું હતું. પેન્શનના અનુસંધાનમાં દીનદયાલ પોર્ટને વાર્ષિક 1051 કરોડનો ખર્ચ પડશે અને એક અલગથી પેન્શન યોજનાનું ફંડ ઊભું કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer