મેઘપર (બો.)ની શાળાના રૂમો પચાવી પાડવા ખોટી ફરિયાદ

ગાંધીધામ, તા. 16 : અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામના માધવનગર વિસ્તારની પંચાયતી પ્રાથમિક શાળામાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને હેરાનગતી કરાતી હોવાનો બનાવ અમુક ખોટા તત્ત્વો દ્વારા ઉપજાવી કઢાયો હોવાની રાવ કરાઇ છે. જેમના સામે આક્ષેપ કરાયો છે તે શિક્ષિકાના પતિ અને આ પંચાયતી શાળા શરૂ કરાવવામાં યોગદાન આપનારા નિવૃત્ત શિક્ષક માધવગિરિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, શાળામાં ખોટું કરતા તત્ત્વોને તેમના ઇરાદા પાર પાડવા ન દેવાતાં આવી ફરિયાદ ઊભી કરાઇ છે. શાળામાં નવું સંકુલ બનતાં સંસ્થાના બે રૂમોનો કબજો માલિકી શિક્ષણ સમિતિની થાય પણ આ રૂમો સ્થાનિક સ્વાર્થી લોકો પચાવી પાડવા માગે છે તે માટે ફરિયાદી હુમલા કરવામાં આવે છે. શાળાની એસ.એમ.સી.ની રચના નિયમ વિરુદ્ધ હતી જે પાછળથી બદલીને હજુ પણ નિયમ મુજબ રચના થઇ નથી. માજી શિક્ષક નરેશ શ્રીમાળી અને ખેતા બાબુની સ્વાર્થી મંડળી બનાવી છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ હોવાથી તેઓએ તેમના પત્ની સામે ખોટી ફરિયાદો કરી હોવાનું શ્રી ગોસ્વામીએ જણાવ્યું હતું. અગાઉ આ લોકોએ હુમલો, ફરજમાં રૂકાવટ પણ કરી છે તે અંગે પોલીસમાં પણ ફરિયાદ કરાઇ હોવાનું અને સી.આર.સી., શાળાના અન્ય સ્ટાફ, બાળકોની ઓચિંતી મુલાકાત લેવાય તો સત્ય બહાર આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer