ગાંધીધામના એ માર્ગના કામનું ચૂકવણું અટકાવવા વિપક્ષી માંગ

ગાંધીધામ, તા. 16 : શહેરના સુંદરપુરી પાણીના ટાંકાથી હીરાલાલ પારખ સર્કલ સુધીના રોડના કામનું ચૂકવણું અટકાવવા અને રોડના નમૂના કચ્છ બહારની લેબોરેટરીમાં તપાસવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મુખ્ય અધિકારીને પાઠવેલા પત્રમાં શહેર કોંગ્રેસના પ્રવક્તા લતીફ ખલીફાએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટમાં આપવામાં આવેલાં કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. અપનાનગર ચાર રસ્તાથી સુંદરપુરી પાણીના ટાંકા સુધી બનતો રોડ ભ્રષ્ટાચારના ભાર તળે દબાયેલો છે. નિયમ મુજબ ખોદકામ પછી રેતી-કાંકરી નાખ્યા વિના માટી નાખી રોડ બનાવવામાં આવે છે, તદુપરાંત સુંદરપુરી પાણીના ટાંકાથી હીરાલાલ પારખ સર્કલ સુધીના માતંગદેવ રોડમાં શરતો મુજબ કામ ન કરાયું હોવાનો આક્ષેપ પત્રમાં કરાયો છે. રોડમાં નબળી ગુણવત્તાવાળું મટીરિયલ નાખવામાં આવ્યું છે. જે સમયે માર્ગનું કામ ચાલતું હતું ત્યારે પણ ફરિયાદો કરાઇ હતી, પરંતુ કોઇ પગલાં ભરાયાં ન હતાં. કરોડોના કામમાં લીપાપોતી કરાઇ હોવાનું પત્રમાં જણાવાયું છે. આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરનું ચૂકવણું અટકાવવા અને રોડના 100-200 મીટરના અંતરે મટીરિયલના નમૂના લઇ કચ્છ બહારની લેબોરેટરીમાં તપાસ કરાવવા માંગ થઇ છે. યોગ્ય તપાસ વિના જ જો ચૂકવણું કરાશે તો સરકારની તિજોરીમાં લાખોની ખોટ પડશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer