ગાંધીધામમાં ધંધાના પરવાનાની પાલિકાની પ્રક્રિયામાં ગરબડ હોવાનો થતો આક્ષેપ

ગાંધીધામ, તા. 16 : આ પંચરંગી શહેરમાં વિકાસને પગલે ધંધા-રોજગાર ખૂબ ખીલ્યા છે, જેને કારણે ગમે તે હેતુની જમીનોમાં દુકાનો નાખીને પાલિકાના પરવાના મેળવી લેવાય?છે, જેને કારણે આ શહેરમાં રહેવાસીઓની સમસ્યા દિવસે-દિવસે વધતી જઇ રહી છે. તેમાં હવે દબાણોનો મુદ્દો પણ ઉમેરાઇ ગયો છે. જાણકારો પાલિકાની ધંધા-રોજગારના પરવાના આપવાની પ્રક્રિયાને જ કઠેડામાં ખડી કરી રહ્યા છે. જાણકારોના કહેવા પ્રમાણે, અનેક રહેણાક કોલોનીઓમાં થોકબંધ દુકાનો ખોલી નખાઇ?છે. ઘણી જગ્યાએ આવી દુકાનો આગળ દબાણનો પ્રશ્ન પણ ખડો થાય છે. ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તામંડળ (જી.ડી.એ.) નકશા મંજૂર કરે તે પછી થઇ જતાં આવાં ગેરકાનૂની બાંધકામ તોડવાની સત્તા જી.ડી.એ. પાસે નથી. બીજી બાજુ, દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ (ડી.પી.ટી.) તથા સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન (એસ.આર.સી.) આવી સત્તા ધરાવે છે, પરંતુ યેનકેન પ્રકારે આ સંસ્થાઓ તેમાં રસ લેતી નથી. નગરપાલિકા દ્વારા દુકાનમાં ધંધો કરવા પરવાના અપાય છે. આ પરવાનાની પ્રક્રિયા દરમ્યાન પાલિકા તરફથી ડી.પી.ટી. કે એસ.આર.સી.ને જે-તે પ્લોટ-દુકાનની લીઝની જમીન કયા હેતુ માટે અપાઇ છે તે પૂછવામાં આવતું નથી, પરિણામે રહેણાક વિસ્તારોમાં આડેધડ દુકાનો ખૂલી રહી છે. એક આક્ષેપ પ્રમાણે, ઘણી દુકાનો તો પરવાના વિના જ ખોલી નખાય છે. પાલિકા પાસે આવાં નાનાં કામો માટે કાં તો સમય નથી, અથવા તો અન્ય કોઇ કારણોસર આવી કોઇ તપાસ ક્યારેય થતી જ નથી. સંકુલમાં આવી કામગીરી થઇ હોવાનું ઘણાને યાદ જ નથી. જો રહેણાકના હેતુની જમીન હોય તો તેમાં ધંધો કરવાનો પરવાનો આપવો ગેરકાયદે છે. પાલિકાએ આવા પરવાના આપ્યા હોય તો તે રદ્દ થવા જોઇએ અને પરવાનો આપનારાઓ વિરુદ્ધ કાનૂની રાહે કામ ચલાવવું જોઇએ તેવી માંગ જાણકારો કરી રહ્યા છે. આ અંગે મુખ્ય અધિકારી નીતિન બોડાતનો સંપર્ક કરતાં તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer