નર્મદા નહેરમાં ખેતી માટે પાણી છોડો મુખ્યમંત્રી

નર્મદા નહેરમાં ખેતી માટે પાણી છોડો મુખ્યમંત્રી
કેરા (તા. ભુજ), તા. 15 : હાલ એક બાજુ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા છે અને કચ્છ ટીપાં માટે તલસે છે. આ હાલતમાં કચ્છની કેનાલમાં ખેતીવિષયક પાણી છોડવા રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. નર્મદા ડેમમાં જળસપાટી 110 મીટરને વટાવી ચૂકી છે. રાજ્ય સરકાર અને નર્મદા નિગમે જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર 110 મીટરની જળસપાટી જરૂરી છે. જો તે સ્તરથી પાણી ઓછું હોય તો પીવા-ઉદ્યોગ હેતુ માટે અનામત રાખવાની જોગવાઈ છે. આ જથ્થો 1.5 મિલિયન એકરફીટ છે. કેનાલ બેડ પાવર યુનિટમાંથી પસાર થઈ આગળ વધે છે. 90 મીટરથી સપાટી વધે ત્યારે 9 મિલિયન એકર ફીટ પાણી ખેતી માટે છોડવું જોઈએ. હાલ પાણી છોડવામાં આવે તો કેનાલ ક્ષેત્રમાં આવતા વાગડ અને કચ્છના ખેતરોમાં ચોમાસુ પાક સમય પ્રમાણે વાવી શકાય તે પછી વરસાદ પડે તો આ પાકનો ઉગાવો સાર્થક થાય અને ખેડૂતોને હક્કનું પાણી મળ્યું ગણાય તેવી વાત તેમણે કરી હતી. કચ્છમિત્ર સાથે વિગતો ચર્ચતાં તેમણે કહ્યું, જો 10 દિવસમાં રાજ્ય સરકાર નિર્ણય ન લે તો વાગડના ધરતીપુત્રો ધરણાં   સહિતના કાર્યક્રમો આપશે. આ સંદર્ભે કચ્છની નર્મદા કેનાલ અને યોજનાના જાણકાર અગ્રણી હંસરાજભાઈ ધોળુએ વિગતોને સમર્થન આપ્યું હતું. તેમણે 110 મીટરથી વધુ સપાટી પર હાલ કુદરતી ન્યાયની રીતે કચ્છનો અધિકાર હોવાનું કહ્યું હતું. મધ્યપ્રદેશ સ્રાવ વિસ્તારમાં તથા અમરકંટક પર્વત બાજુ વરસાદ શરૂ થવા સાથે જળસપાટી ભયજનક સ્તરે વધતી હોય છે અને લાખો એકર ફીટ પાણી દરિયામાં નકામું વહી જાય છે. એકબાજુ કચ્છ કોરુંધાકોર હોય ટી.વી. પડદે કે માધ્યમોમાં પાલર પાણીના ધોધ નર્મદા ડેમમાં વછૂટતાં જોઈ કચ્છના ખેડૂતોને અન્યાયની લાગણી તીવ્ર બની જાય છે. સળંગ પાંચમા વર્ષે વરસાદ ખેંચાયો છે. આષાઢી બીજ કોરી ગઈ છે. ગુજરાતના સાત તાલુકા કોરા છે તેમાં ચાર કચ્છના છે. આ વાસ્તવિકતા બયાન કરે છે કે, નર્મદા ડેમના વધારાના પાણી પર કચ્છનો પ્રથમ અધિકાર છે તેવું પત્રમાં લખ્યું છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્રભાઈ મોદી સરકારે વધારાના પાણી સંદર્ભે કરેલી એફિડેવિટમાં પણ કચ્છને ત્રણ લાખ એકર ફીટ પિયત માટે ફાળવશું તેવો ઉલ્લેખ હોવાનું કચ્છ જળસંકટ નિવારણ સમિતિ અને કચ્છનો કેસ લડનારા પૈકીનાએ ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer