એફીલ ટાવરની ઉંચાઈએ ફ્રાન્સ

એફીલ ટાવરની ઉંચાઈએ ફ્રાન્સ
મોસ્કો, તા. 15 : અહીં લુઝનિકી સ્ટેડિયમ પર ફિફા ફૂટબોલ ફીવરની પરાકાષ્ઠારૂપ વિશ્વકપના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ગ્રીજમેન અને એમ્બાપે, પોલ પોબ્લો જેવા ખેલાડીઓના સહિયારા પ્રભાવી પ્રદર્શનના બળે ક્રોએશિયાને 4-2થી મ્હાત આપતાં ફ્રાન્સની યુવા ટીમે બે દાયકામાં બીજી વાર ફિફા ફૂટબોલ વિશ્વકપ જીતવાનું પરાક્રમ કર્યું હતું. આર્જેન્ટિના સહિત ટીમોને ચોંકાવી દેતાં પહેલી વાર ફાઇનલમાં પહોંચેલી ક્રોએશિયાનું જીત સાથે અપસેટ સર્જવાનું સ્વપ્ન રોળાયું હતું. ફ્રાન્સના ફૂટબોલપ્રેમીઓની સાથોસાથ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્દુ અલમેક્રોન પણ ફ્રાન્સની ફતેહ થતાં ખુશીભેર ઝૂમી ઊઠયા હતા. ફિફાએ આ વખતે વિજેતા ટીમને 3.8 કરોડ ડોલરનું ઇનામ આપવાનું એલાન કરતાં આ ઇનામ ફ્રાન્સના ફાળે ગયું છે. રનરઅપ ટીમને 2.8 કરોડ ડોલર, ત્રીજા સ્થાને રહેનાર બેલ્જિયમને 2.4 કરોડ ડોલર, ચોથા સ્થાને આવેલી ટીમ ઇંગ્લેન્ડને 2.4 કરોડ ડોલરનો પુરસ્કાર મળશે. કવાર્ટર ફાઇનલ સુધીની સફર કરનાર ટીમને 1.6 કરોડ ડોલર અને અંતિમ 16માં પહોંચનારી ટીમોને 1.2 કરોડ ડોલર ઇનામ અપાશે. મુકાબલાની 59મી મિનિટે ગોલકીપર ડેનિયલ સુબાસીચને છકાવતાં પોલ પોબ્લાએ કરેલા ત્રીજા ગોલની મદદથી ફ્રાન્સે 3-1ની મજબૂત સરસાઇ મેળવી લીધી હતી. ત્યારબાદ પાંચ જ મિનિટમાં એમ્બાપેએ ચોથો ગોલ ફટકારી દેતાં ક્રોએશિયા જબરા દબાણ તળે આવી ગઇ હતી. રમતની 69મી મિનિટે મારિયોએ ક્રોએશિયા માટે બીજો ગોલ કર્યો હતો. ફ્રાંસના સુકાની ગોલકીપર હયુગો લોરિસે ફિફા ટ્રોફી ઊંચકી લીધી હતી અને ફ્રાંસને 260 કરોડનું ઇનામ મળ્યું હતું. ફાઇનલમાં બન્ને ટીમે મળીને કુલ 6 ગોલ કર્યાં હતા. જે પાછલા ચાર ફાઇનલના નિર્ધારિત સમયના કુલ ગોલથી વધુ છે. આ ઉપરાંત 19પ8 બાદ વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી 6 ગોલ થયા છે. 19પ8ના ફાઇનલમાં સ્વીડન સામે બ્રાઝિલનો પ-2 ગોલથી વિજય થયો હતો. ફાઇનલમાં પહેલા હાફમાં ક્રોએશિયાનો દબદબો રહ્યો હતો. તો બીજા હાફમાં અનુભવી ફ્રાંસ છવાઇ ગયું હતું અને 6 મિનિટના ગાળામાં પોલ પોબ્લો અને યુવા સનસની એમ્બાપેના અદ્ભુત ફિલ્ડ ગોલથી 4-1થી આગળ થયું હતું. જો કે મેચની 69મી મિનિટે ફ્રાંસના સુકાની ગોલકીપર હયુગો લોરિસની શરમજનક ભૂલથી ક્રોએશિયાના ઓન ગોલ કરનાર ખેલાડી માંજુકિચે ગોલ કરીને સ્કોર લાઇન 2-4 કરી હતી. આ અંતર ક્રોએશિયા તોડી શકી ન હતી. આથી ફ્રાંસ 4-2થી વિજેતા બનીને બીજી વાર ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. પહેલીવાર ફાઇનલમાં પહોંચેલા ક્રોએશિયા અને વીસ વર્ષમાં બીજી વાર ખિતાબ પર કબ્જો કરવાના ઇરાદે ઊતરેલા ફ્રાન્સ વચ્ચે ફિફાના ફાઇનલ જંગની શરૂઆતમાં ફ્રેન્ચ ખેલાડીઓએ પકડ મેળવી લીધી હતી. ફિફા વિશ્વકપ-2018ના ફાઇનલ સંગ્રામમાં 1998ની ચેમ્પિયન ટીમ ફ્રાન્સે એન્ટોનિયો ગ્રીજમેનના પ્રભાવશાળી પ્રદર્શનના બળે હાફ ટાઇમ સુધી ક્રોએશિયા પર 2-1થી સરસાઇ મેળવી લીધી હતી, ત્યારબાદ એક ગોલ ક્રોએશિયાએ પણ કર્યો હતો. આમ 1974 બાદ પહેલી વાર એવું બન્યું હતું કે, જ્યારે ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં પહેલા હાફમાં જ કુલ્લ ત્રણ ગોલ થઇ ગયા હોય. ફ્રાન્સે 18મી મિનિટે મારિયો માનજુકિચના આત્મઘાતી ગોલથી સરસાઇ મેળવી હતી, પરંતુ ઇવાન પેરિસિચે 28મી મિનિટે ગોલ કરીને બાજી બરોબરી પર લાવી દીધી હતી. જો કે, ટૂંકાગાળામાં જ મળેલી પેનલ્ટીને ફ્રાન્સના એન્ટોની ગ્રીજમેને મુકાબલાની 38મી મિનિટે ગોલમાં પરિવર્તિત કરી હતી. પેરિસિચના હેન્ડબોલના કારણે ફ્રાન્સને પેનલ્ટી મળી હતી. મારિયોએ ફ્રાન્સના એન્ટોનિયો ગ્રીજમેનની ફ્રી કિકને ક્લીયર કરવાની કોશિશ તો કરી હતી, પરંતુ દડો માનજુકિચના માથાં પર લાગી અને ગોલપોસ્ટમાં ચાલ્યો ગયો હતો. આ વિશ્વકપ ફાઇનલમાં પહેલો ઓન ગોલ હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer