ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું બીજું રાષ્ટ્રીય સંગઠન હડતાળને ટેકો પણ નહીં આપે વિરોધ પણ નહીં કરે

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું બીજું રાષ્ટ્રીય સંગઠન  હડતાળને ટેકો પણ નહીં આપે વિરોધ પણ નહીં કરે
ગાંધીધામ, તા. 15 : રાષ્ટ્રીય કક્ષાએ ટ્રક ટ્રાન્સપોર્ટના કાર્યરત બે સંગઠનો પૈકી છેલ્લા ત્રણ વર્ષથી બનેલા ભાઇચારા ઓલ ઇન્ડિયા ટ્રક ઓપરેટર વેલ્ફેર એસોસિયેશનની રાષ્ટ્રીય કારોબારીની બેઠક આજે ગાંધીધામ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં આગામી 20/7ના યોજાનારી દેશવ્યાપી ટ્રક હડતાળ અને પરિવહનકારોના પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વકની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, ટોલ ટેક્સ સહિતના મુદ્દે આપવામાં આવેલા દેશવ્યાપી ટ્રક હડતાળના એલાન અંતર્ગત મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા સહયોગ આપવા અંગે અપાયેલા પત્રના સંદર્ભે આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરાઇ હતી. દેશભરમાં સભ્ય સંખ્યા ધરાવનાર બીજા રાષ્ટ્રીય સંગઠન દ્વારા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની દેશવ્યાપી હડતાળનો વિરોધ પણ ન કરવા અને સમર્થન પણ ન આપવા નિર્ણય લેવાયો હતો. એકંદરે દેશવ્યાપી હડતાળ સફળ રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. એસોસિયેશનના રાષ્ટ્રીય પ્રમુખ અશોક શર્મા (દિલ્હી), કરમજીત સિંઘ ખાલસા (પંજાબ), નેશનલ જનરલ સેક્રેટરી તહલસિંઘ બુટ્ટર વગેરે અગ્રણીઓએ બેઠકમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા અને પડતર પ્રશ્નો અંગે સંગઠિત થઇ લડત લડવા હાકલ કરી હતી. બેઠકમાં ટોલ ટેક્સ, વિવિધ રાજ્યોની બોર્ડર પર ઉઘરાવાતા પૈસા સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી અને ઉગ્ર લડત આપવા નિર્ણય લેવાયો હતો. સ્થાનિક પરિવહનકારો હર્ષદ પ્રજાપતિ, સતવીર સિંઘ, રમેશ યાદવ, દશરથસિંહ ખંગારોત વગેરે આયોજનમાં સહયોગી બન્યા હતા. બેઠકમાં પંજાબ, દિલ્હી, બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer