ભચાઉ નજીક સિક્સલેન સમાંતર પોલીસ સ્ટેશનનો માર્ગ બન્યો ભયજનક

ભચાઉ નજીક સિક્સલેન સમાંતર  પોલીસ સ્ટેશનનો માર્ગ બન્યો ભયજનક
ભચાઉ, તા. 15 : અહીંના સિકસલેન સમાંતર આવેલા પોલીસ સ્ટેશનથી પાર્શ્વસિટી તરફ જતો માર્ગ ભયજનક બન્યો છે. રવિવારે બપોરે માલવાહક ટ્રક ઊથલી પડી હતી. જો કે, અન્ય કોઇ વાહન કે વટેમાર્ગુ ન હોવાના કારણે જાનહાનિ નહોતી થઇ. સિકસલેન સમાંતર માર્ગ પર છેલ્લા એકાદ મહિનાથી સાતેક મહાકાય માલવાહક વાહનોએ પલટી ખાધી છે ત્યારે ટેકનિકલ ખામી ધરાવતા આ માર્ગની સુધારણા કરવા તાલુકા ભાજપના પ્રમુખ જનકસિંહ જાડેજાએ માંગ કરી છે. આ માર્ગે નિરંતર પલટી ખાતા વાહનો જીવલેણ બને તે પહેલાં યોગ્ય સુધારણા કરાય તે જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ પલટી ખાઇ ગયેલી ટ્રકની બોરીઓ રસ્તા પર વેરાઇ જતાં થોડા સમય માટે માર્ગ અવરોધાયો હતો. બપોરના સમયે વાહન વ્યવહાર ઓછો હોવાનાં કારણે કોઇ મોટો અકસ્માત સર્જાયો નહોતો. સરકારી દવાખાના નજીક અગાઉ દ્વિચક્રી વાહનો ફંગોળાવાની ઘટનાઓ બાદ હવે ટ્રકો પણ પલટી ખાઇ જતી હોવાથી કયારેક મોટો અકસ્માત સર્જાશે તેવી લોકોએ ભીતિ વ્યક્ત કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer