હજયાત્રા એ જીવન માટે ટર્નિંગ પોઇન્ટ

હજયાત્રા એ જીવન માટે ટર્નિંગ પોઇન્ટ
કોડાય (તા. માંડવી), તા. 15 : માંડવી ઘાઘલીમા દરગાહ કમ્પાઉન્ડ ખાતે ગુજરાત સ્ટેટ હજ કમિટી દ્વારા હજ-2018 અંતર્ગત જરૂરી માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું હતું. ખિદમતે દુજ્જાજુલ કિરામ કમિટી, માંડવી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ હજ કમિટીના ચેરમેન મોહંમદઅલી કાદરીએ હજયાત્રીઓને વતન માટે દુઆ કરવા અને આગામી સમયમાં કચ્છમાંથી દરિયાઇ વાટે હજ જવાય તે માટે માગણી કરાઇ હોવાનું જણાવ્યું હતું. હજ કર્યા બાદ સર્વેને મદદરૂપ થઇ સાચા મુસલમાન તરીકે જીવવા શીખ આપી હતી અને હજ દરમ્યાન સમયનો સદ્ઉપયોગ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે તિલાવતે કુર્આન હાજી કાસમ મુસાએ ફરમાવી હતી. સૈયદ હાજી અનવરશા બાપુએ સારા વરસાદ માટે દુઆ કરવા જણાવી સર્વેને મુબારકબાદી પાઠવી હતી. યાસીનભાઇ અજમેરવાળા (ડાયરેક્ટર, હજ કમિટી)એ હજ દરમ્યાન સવલતસભર પૂર્ણ સર-સામાન સાથે લઇ જવા જણાવ્યું હતું. હજ કમિટીના માસ્ટર ટ્રેનર હનીફભાઇ પટેલે હજને જીવનનો ટર્નિંગ પોઇન્ટ ગણાવી હજયાત્રાને સહજ ગણાવી ચિંતા મુકત થવા જણાવ્યું હતું. ફિલ્ડ ટ્રેનર અબ્દુલ રશીદ ખત્રી અને મદીના શરીફ જિયારતના મૌલાના અબુદુઝાનાએ ઉપસ્થિત હજયાત્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રિન્સિપાલ મોહંમદઅલી કાદરીનું વિશિષ્ઠ સન્માન ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ડાયરેક્ટર આમદભાઇ જત અને મુસ્લિમ અગ્રણી હાજી અલીમામદ રોહાના હસ્તે કરાયું હતું. મંચસ્થો હાજી કાસમ (મુંદરા), મિયાં હુસેન ગુલબેગ (ધોરડો), હાજી અલીમામદ (રોહા), મીરખાન મુતવા (ગોરેવાલી), સૈયદ હૈદરશા, સૈયદ અલી અસગર વગેરેનું સન્માન આયોજકો દ્વારા કરાયું હતું. આ માર્ગદર્શન કેમ્પનો 425 જેટલા કચ્છના હજયાત્રીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં અલીમામદ વર્યા, નિઝામુદ્દીન હકીમ, ઇલિયાસ મિત્રી, નઝીર સુમરા, ગુલામભાઇ સમેજા (એડવોકેટ), હાજી અલીમામદ વર્યા, સલીમભાઇ નોડે, અબ્દુલ શકુરભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અબ્દુલ રસીદ ખત્રી અને આભારવિધિ સુલ્તાન રાયમાએ કર્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer