બ્રાહ્મણોએ સમાજને ઘણું આપ્યું છે

બ્રાહ્મણોએ સમાજને ઘણું આપ્યું છે
સુખપર (તા. ભુજ), તા. 15 : અહીં સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળાની પરંપરા પ્રમાણે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ વિદ્યાલયથી સંચાલક શાત્રી સ્વામી હરિવલ્લભદાસજી તથા અક્ષરમુક્તદાસજી સ્વામી તથા સ્વામિનારાયણ મંદિરથી શાત્રી સ્વામી લક્ષ્મણપ્રકાશદાસજી તથા આનંદમુનિદાસજી તથા સંસ્થાના પ્રમુખ શિવજીભાઈ પાધરા, ઉપપ્રમુખ ભીખાભાઈ શિયાણી, મંત્રી જેન્તીભાઈ રાબડિયા, ખજાનચી કાનજીભાઈ મેપાણી, કાનજીભાઈ વેકરિયા, પ્રેમજીભાઈ વાઘજિયાણી, દિનેશભાઈ ગોર આદિ ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પાઠશાળાના ઋષિકુમારો દ્વારા વેદમંત્રો- પ્રાર્થના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાઠશાળાના આચાર્ય દુર્ગેશભાઈ શાત્રીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું કે, પાઠશાળાની શરૂઆતથી અત્યાર સુધી 600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે તથા બ્રાહ્મણના છ ધર્મને સમજાવતાં કહ્યું, બ્રાહ્મણે સમાજને ઘણું આપ્યું છે તથા આપવું જોઈએ તથા સમાજના સાચા પથદર્શક સંતો તથા બ્રાહ્મણો રહ્યા છે. સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ ગોરે જણાવ્યું કે, સંસ્થાનો મૂળ હેતુ હિન્દુ સંસ્કૃતિને ટકાવવી છે. ભુજ મંદિરના શાત્રી સ્વામી લક્ષ્મણપ્રકાશદાસજીએ જણાવ્યું કે, મહંત સ્વામીની આજ્ઞા અને ગુલાબ મહારાજના પ્રયત્નથી પાઠશાળાની સ્થાપના થઈ છે. બ્રાહ્મણ જેને બીજા સંસ્કારોની જરૂર છે તેમ વિદ્યારૂપી સંસ્કારની પણ જરૂર છે. બ્રાહ્મણ વિદ્યા સંસ્કાર દ્વારા શોભે છે. સંચાલક શાત્રી સ્વામી હરિવલ્લભદાસજીએ આશીર્વાદ આપતાં જણાવ્યું કે, વિદ્યાભ્યાસ, શારીરિક સૌષ્ઠવ અને દાન આ ત્રણ કાર્ય માટે પ્રયત્ન કરવા જોઈએ. ગીતા, વેદ, શિક્ષાપત્રીમાં વર્ણ વ્યવસ્થાની સમજણ આપતાં કહ્યું કે, ગુણ અને કર્મથી બ્રાહ્મણ થવાય. બ્રાહ્મણ અને સંતોએ વેદ, ઉપનિષદ, સંસ્કૃતનું અધ્યયન કરવું જોઈએ.સંસ્થાના ટ્રસ્ટીઓમાં કરશનભાઈ હાલાઈ, દિનેશભાઈ ગોરસિયા, દેવજીભાઈ, જાદવાભાઈ ધનાણી, નારણભાઈ વેકરિયા આદિ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા અને સંસ્થાના અધ્યાપકોનો સહયોગ પણ રહ્યો હતો. સંચાલન પાઠશાળાના આચાર્ય દુર્ગેશભાઈ ભટ્ટે કર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer