બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન પણ જરૂરી

બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન પણ જરૂરી
દેશલપર (વાંઢાય), તા. 15 : અહીંના લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન ખાતે કચ્છના 40 ગામોની બાળ સંસ્કાર સંચાલિકાઓની શિબિર યોજાઈ હતી. જેમાં ધર્મ પ્રચાર સમિતિના અધ્યક્ષ સ્વામી વૃંદાવનવિહારીદાસજીના હસ્તે બાળગીતોની ઓડિયો સીડીનું વિમોચન કરવામાં આવ્યું હતું. સીડીમાં રતિલાલ પટેલ રચિત ગીતોને ચતુરસિંહ જાડેજાએ સ્વરબદ્ધ કર્યા છે અને નીતા યાજ્ઞિકે કંઠ આપ્યો છે. જ્યારે તાલ અને સૂરની સંગત અનિલ રાજગોર અને જિગર માંકડે કરી છે. તેમને સ્વામીજીએ અભિનંદન આપ્યા હતા અને બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કાર સિંચન કરવું પણ આજના સમયમાં જરૂરી છે એમ પણ તેમણે જણાવ્યું હતું. અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ જેઠાભાઈ ચોપડાએ ગામેગામ નિ:સ્વાર્થ ભાવે સેવા આપતી બાળ સંસ્કાર કેન્દ્રની સંચાલિકા બહેનોની કામગીરીની પ્રશંસા કરી હતી. સંસ્થાના મહામંત્રી રતિલાલ પટેલે માહિતી આપતાં કહ્યું કે, કચ્છના 70 ગામોમાં અને કચ્છ બહાર 80 ગામોમાં બાળ સંસ્કાર કેન્દ્રો સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. તેને લગતું સાહિત્ય સંસ્થા દ્વારા વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે. માયાબેન રામાણી, ઉષાબેન નાકરાણી તેમજ અન્ય બહેનોએ માર્ગદર્શન આપ્યું હતું. સ્વાગત ધર્મ પ્રચાર સમિતિના કન્વીનર રવિલાલ વાલાણીએ કર્યું હતું અને આભારદર્શન પ્રવીણભાઈ ધોળુએ કર્યું હતું. સંચાલન ધીરુભાઈ ભગતે કર્યું હતું. આ સમારંભમાં સંસ્થાના ટ્રસ્ટી કરશનભાઈ મેઘાણી, રામજીભાઈ ડાયાણી, ખજાનચી કલ્યાણ છાભૈયા, રાજુભાઈ રામાણી, પ્રવીણભાઈ ધોળુ, બાબુભાઈ ચોપડા, લવજીભાઈ પોકાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer