વરસાદ ખેંચાતા અબડાસામાં ઘાસ ખેંચ

નલિયા, તા. 15 : ચાલુ વર્ષે વરસાદ ખેંચાતાં ખેડૂત અને આમ વર્ગની ચિંતા વધી છે. આમ તો અબડાસામાં છેલ્લા ત્રણ વર્ષથી અનિયમિત અને પાછોતરો વરસાદ થાય છે. ગત વર્ષે 23 જુલાઈથી અહીં ચોમાસું શરૂ થયું હતું તે જોતાં સચરાચરા વરસાદની આશા બંધાઈ છે. આમ તો આષાઢી બીજ એ વરસાદ માટે કચ્છનું શુકન માનવામાં આવે છે. પણ કચ્છી નવા વર્ષે મેઘરાજાની ગેરહાજરી રહી હતી. સીમતળમાં પશુધન માટે ઘાસનું તણખલું ન હોતાં પશુ માલિકો અને ઢોરોની મુશ્કેલી વધી છે. અહીં પૈસા દેતાં ચારો મળતો નથી. ગત વર્ષે ઘણા ખેડૂતોએ ચારાનું વાવેતર કર્યું હતું. આવા ખેડૂતોએ પોતાના પશુધન માટે ચારો સંગ્રહી રાખ્યો છે પણ ખેડૂત ન હોય તેવા વર્ગ પાસે ઢોરો હોય તો તેમના માટે ચારાની કફોડી સ્થિતિ સર્જાઈ છે. પ્રતિ મણ (40 કિ.ગ્રા.)ના રૂા. 400થી 500ના ભાવથી પણ પૈસા દેતાં કડબ, વતરો કે ચારો મળતો નથી. ગત વર્ષે વરસાદનું જોર આખા તાલુકામાં સરખે સરખું રહ્યું ન હતું. નરેડી, ભવાનીપર સહિતના વિસ્તારમાં મર્યાદિત વરસાદ થયો હતો. જેથી એ વિસ્તારની સીમ તો બે મહિના પૂર્વે જ સફાચટ થઈ ગઈ હતી. તો રામપર (અબડા), કરમટા, ઉકીર, વાયોર સહિતના ગરડા વિસ્તારમાં પણ ઘાસચારાની સમસ્યા માલધારી અને ઢોરના માલિકોને મૂંઝવી રહી છે. અધૂરામાં પૂરું હોય તેમ સીમતળમાં તળાવ, તળાવડીઓ પણ સુકાઈ રહ્યા છે. નેશે પાણી અદૃશ્ય થઈ ગયા છે. તાલુકાના ફુલાય, વાઘાપદ્ધર સહિત અનેક ગામોની સીમમાં પાણી અને ઘાસ ન હોતાં મૂંગા પશુઓની સમસ્યા બેવડાઈ છે. સીમતળમાં પશુધન માટે પીવાના પાણીનો વિકલ્પ પા.પુ.ની પાઈપલાઈન આધારિત ભરવામાં આવતા અવાડા એ ઢોરો માટે એકમાત્ર વિકલ્પ છે. જેનું સુચારુ સંચાલન થાય તેવી માગણી ઊઠી છે. આમ તો સરકારી રાહે રૂા. બેના ભાવથી પાંજરાપોળોને ઘાસ વિતરણની વ્યવસ્થા ગોઠવતાં પાંજરાપોળના પશુધન માટે રાહત મળી છે. જંગલ ખાતાના ગોડાઉનમાં પુષ્કળ ઘાસ પડી રહ્યું છે. આ ઘાસનો જથ્થો પણ પાંજરાપોળ સિવાયના પશુધન માટે પ્રતિ કિ.ગ્રા. રૂા. બેના દરથી વેચાણમાં મુકાય તેવી માગણી ઊઠી છે. આષાઢી બીજ આમ ભલે કોરી રહી હતી, પણ વરસાદી માહોલ (આળંગ) છવાયેલો રહેતાં વરસાદની આશા બંધાઈ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer