ડીપીટી બોર્ડમાં અધર ઈન્ટરેસ્ટના ટ્રસ્ટીની નિયુક્તિ ત્રણ મહિનાથી નહીં થતાં આશ્ચર્ય

ગાંધીધામ, તા. 15 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી બોર્ડમાં સરકારી અધિકારીઓ, લેબર ટ્રસ્ટી ઉપરાંત ટ્રેડ અને નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતા અધર ઈન્ટરેસ્ટ ટ્રસ્ટીઓ નિયુક્ત કરવાના હોય છે. ગત માર્ચ મહિને નવું બોર્ડ રચાયાને ત્રણ મહિના થયા પરંતુ હજુ સુધી આ નિમણૂકો નહીં થતાં આશ્ચર્ય પ્રસર્યું છે. બંદર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે બે વર્ષ માટે રચાતા આ બોર્ડમાં ગત ટર્મ વખતે પણ દોઢ વર્ષ સુધી અધર ઈન્ટરેસ્ટના ટ્રસ્ટી નિયુક્ત થયા નહોતા. તે પછી થોડા મહિના માટે ચારમાંથી ત્રણ ટ્રસ્ટીઓની નિયુક્તિ થઈ હતી. છેલ્લા લાંબા સમયથી બંદર વપરાશકાર પ્રતિનિધિની પણ નિયુક્તિ ખાસ થતી નથી. આ વખતે તો હજુ ભાજપની પ્રદેશ સમિતીમાંથી ટ્રસ્ટીપદ માટે કોઈ નામ શિપિંગ મંત્રાલયમાં મોકલાયું નથી. ભારતના મહાબંદરો પૈકી એકમાત્ર મુંબઈ પોર્ટ ટ્રસ્ટમાં જ અધર ઈન્ટરેસ્ટના પ્રતિનિધિ નિયુક્ત થયા છે. સામાન્ય રીતે નાગરિકોનું હિત સંકળાયેલું હોય તેવા નિર્ણયો બોર્ડમાં લેતી વખતે અધર ઈન્ટરેસ્ટના ટ્રસ્ટીઓની હાજરી જરૂરી છે. ડીપીટીમાં તો સમગ્ર સંકુલની જમીનો ડીપીટી હસ્તક હોવાથી મોટું હિત સંકળાયેલું છે. ત્યારે જ ટ્રસ્ટી નહીં હોવાથી મુશ્કેલી ઊભી થાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપની આંતરિક જૂથબંધીને કારણે નામો નક્કી થઈ શકતા ન હોવાથી અધર ઈન્ટરેસ્ટના ટ્રસ્ટીઓની નિમણૂક ઘાંચમાં પડી છે. આ સંદર્ભે સાંસદ વિનોદભાઈ ચાવડાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. દરમ્યાન સંકુલમાં આ નિમણૂકો ઝડપથી થાય તેવી લાગણી બળવત્તર બની છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer