ઠેકેદારને ધાકધમકી વિશે કુકમાના સરપંચ દંપતી વિરુદ્ધ ફોજદારી

ભુજ, તા. 15 : આશાપુરા કંપનીમાં ઠેકેદાર તરીકે કામ કરતા તાલુકાના ભુજોડી ગામના ઠેકેદાર ગાવિંદભાઇ કારાભાઇ મંગરિયા (ઉ.વ. 45)ને કંપનીમાં કામ ન કરવાનું કહીને તાલુકાના કુકમા ગામનાં મહિલા સરપંચ અને તેમના પતિએ ધાકધમકી કરી હોવાનો મામલો ફોજદારી ફરિયાદના સ્વરૂપમાં પોલીસ દફ્તરે ચડયો છે. ભુજોડી ગામે રામદેવપીર મંદિર પાસે રહેતા ગાવિંદભાઇ મંગરિયા દ્વારા આ મામલે પદ્ધર પોલીસ મથકમાં કુકમા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ કંકુબેન અમૃતલાલ વણકર અને તેમના પતિ અમૃતલાલ બેચરલાલ વણકર સામે ગાળો સાથે ધાકધમકીનો ગુનો દાખલ કરાવાયો હતો. સહાયક ફોજદાર પ્રવીણભાઇ વાણિયાએ કેસની તપાસ હાથ ધરી છે. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આશાપુરા કંપની નજીક લેર ગામ પાસે ગતરાત્રે આ ઘટના બની હતી. આરોપી દંપતીએ આ કંપનીનું કામ ન કરવાનું કહીને આ ધાકધમકી કરી હતી, તો ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. ભુજમાં પાંચ શખ્સનો હુમલો બીજી બાજુ, ભુજ શહેરમાં સ્ટેશન રોડ ઉપર ગતરાત્રે હુમલાની ઘટના બની હતી. આ કિસ્સામાં શાત્રીનગરમાં રહેતા દીપક વાલજીભાઇ બોખાણી (ઉ.વ. 40)ને ભુજના સુરેશ વાલજી સંજોટ, ભરત વાલજી સંજોટ, રોહિત વાલજી સંજોટ, કિશન વાલજી સંજોટ અને રમેશ વાલજી સંજોટે માર માર્યો હતો. ફરિયાદીની બહેને આરોપી સુરેશ વાલજી સાથે લગ્ન કરેલાં હોઇ, તે બાબતે વાતચીત કરવા દરમ્યાન હુમલાની આ ઘટના બની હતી તેમ ફરિયાદમાં લખાવાયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer