જયંતી ભાનુશાલી પર આરોપ લગાવનાર યુવતીના સગડ નથી

સુરત, તા. 14 (પ્રતિનિધિ): સુરત પોલીસને કચ્છના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાલી પર દુષ્કર્મનો આરોપ લગાવનાર યુવતી અને તેના પરિવારનો સંપર્ક કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. શહેરના કાપોદ્રા પોલીસ મથકમાં કરાયેલી અરજીના આધારે પોલીસે તપાસ કરતાં જે સરનામું તેમાં આપ્યું હતું ત્યાં કોઈ મળ્યું નથી. દુષ્કર્મ પીડિતાના પરિવારનો કે પછી યુવતીનો સંપર્ક હજુ સુધી સાધી શકાયો નથી. બીજી તરફ, વિરોધ પક્ષ કોંગ્રેસે જયંતી ભાનુશાલીના દુષ્કર્મ કેસની નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ કરી છે.  દુષ્કર્મ મામલાના છાંટા ભાજપને ઊડે નહિ તે પહેલાં જ જયંતી ભાનુશાલી પાસે રાજીનામું લખાવી લેવાયું છે, પરંતુ ભાજપના દામનમાં દાગ છે. જે ગમે તેમ થાય તોપણ સાફ થઈ શકે તેમ નથી તેમ સુરત કોંગ્રેસેના આગેવાનોએ આજે એક મુલાકાતમાં કહ્યું હતું. યુવતીની અરજીના આધારે પોલીસે અરજીમાં નોંધાયેલા સરનામા પર તપાસ કરતાં ઘરે કોઈ મળ્યું ન હતું. સુરત પોલીસ સૂત્રોના કહેવા મુજબ, અત્યારે તો સુરત પોલીસને યુવતીની શોધખોળની નવી જવાબદારી આવી પડી છે. પરિવારના કયા લોકો તેની સાથે છે, સુરતમાં પરિવારમાં તે કોની સાથે રહેતી હતી, અભ્યાસ અર્થે તે અત્યાર સુધી કોને-કોને મળી હતી વગેરે સવાલો સાથે પોલીસ યુવતી અને તેના પરિવારના લોકોનો સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહી છે. હાલમાં પોલીસની દોડાદોડ વધી ગઈ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer