ફિફા : ઈંગ્લેન્ડને હરાવી બેલ્જિયમે ત્રીજું સ્થાન કબ્જે કર્યું

સેન્ટ પીટર્સબર્ગ, તા. 14 : ફિફા વિશ્વકપમાં ત્રીજા સ્થાન માટે બેલ્જિયમ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલામાં થોમસ મ્યુનેર અને એડન હેઝાર્ડના ગોલથી બેલ્જિયમે ઈંગ્લેન્ડને પરાસ્ત કરીને ત્રીજું સ્થાન કબ્જે કર્યું હતું. એક તરફી રહેલી મેચમાં ઈંગ્લેન્ડનું ડિફેન્સ અને ફોરવર્ડ એકદમ ફ્લોપ રહ્યું હતું તેમજ કેપ્ટન હેરી કેને પણ ગોલ કરવાનો મોકો ગુમાવ્યો હતો. મ્યુનેરે મેચની ચોથી મિનિટે જ ગોલ કરીને સરસાઈ મેળવી લીધી હતી, જ્યારે હેઝાર્ડે 82મી મિનિટે ગોલ કરી જીત નિશ્ચિત કરી હતી. બેલ્જિયમે એક પખવાડિયામાં જ બીજીવાર ઇંગ્લેન્ડને પરાજય આપ્યો છે. અગાઉ 1986માં બેલ્જિયમે વિશ્વકપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ગ્રુપ તબક્કામાં ઇંગ્લેન્ડને હરાવવા માટે બેલ્જિયમે 82 વર્ષ સુધી રાહ જોઇ હતી. થોમસે મેચમાં વાપસી કરી તે ઇંગ્લેન્ડ માટે માથાના દુખાવા સમાન મુસીબત પુરવાર થઇ. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer