ઇંગ્લેન્ડે 86 રને જીતી શ્રેણી જીવંત રાખી

લંડન, તા. 14 : રોહિત શર્મા અને શિખર ધવન જેવા ધુરંધરોએ સસ્તામાં વિકેટ ખોઇ બેસવા સાથે પ્લેન્કેટ (4 વિકેટ) સહિત અંગ્રેજી બોલરોના આક્રમણ સામે છેલ્લા દડા સુધી સંઘર્ષના અંતે ટીમ ઇન્ડિયાને શનિવારે બીજી વન-ડેમાં 86 રને હાર ખમવી પડી હતી. ઇંગ્લેન્ડે 1-1થી બરોબરી કરી શ્રેણી જીવંત રાખી હતી. યજમાન ઇંગ્લેન્ડે આપેલું 323 રનનું પડકારરૂપ લક્ષ્ય આંબવા મેદાન પર ઊતરેલી ભારતીય ટીમે પહેલાં 60 રનમાં જ રોહિત, ધવન, રાહુલની ત્રણ મહત્ત્વની વિકેટો ખોઇ દીધી હતી. ત્યારબાદ સુકાની વિરાટ કોહલી (45) અને સુરેશ રૈના (46)એ સ્કોરબોર્ડને ગતિ આપવાના પ્રયાસ કર્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીએ 37 રન કર્યા હતા. દિગ્ગજ ખેલાડીઓ પેવેલિયનમાં ચાલ્યા ગયા પછી વધુ દબાણ તળે રમી રહેલી ટીમ ઇન્ડિયાએ રમતના છેલ્લા દોરમાં માત્ર 45 રનમાં પાંચ વિકેટ ખોઇ દીધી હતી. આ પહેલાં ટોસ જીતીને બેટિંગ લેવાનો ઇંગ્લેન્ડનો નિર્ણય યથાર્થ રહ્યો હતો અને 50 ઓવરમાં સાત વિકેટે 322 રનનો વિશાળ જુમલો ખડકી દીધો હતો. ઓપનરો રોય (42 દડામાં 40 રન) અને જે. એમ. બેઇરસ્ટોય (31 દડામાં 38) રનની મદદથી પહેલી વિકેટ માટે 69 રન જોડાવાથી મજબૂત પાયો નાખ્યો હતો. બાદમાં સદીવીર જો?રૂટના 116 દડામાં આઠ ચોગ્ગા સાથે 113 રન અને કપ્તાન ઇ. મોર્ગનની અર્ધસદી ચાર ચોગ્ગા સાથે 53ની મદદથી ત્રીજી વિકેટ માટે 103 રન ઉમેરાયા હતા. જેથી જંગી જુમલાનો માર્ગ મોકળો થયો હતો. મધ્યમ હરોળના બી. સ્ટોક (5) અને જે. બટલર (4)ની ટૂંકાગાળામાં વિદાય બાદ એમ. અલીએ 13 રન કર્યા હતા. છેલ્લે ડી. વિલેના માત્ર 31 દડામાં ધુંઆધાર 50 રન અને અગાઉથી જામેલા બેટધર રૂટની સહાય મળતાં છેલ્લી લગભગ નવ ઓવરમાં વધુ 82 રન જોડતાં જુમલો 300ને પાર કરી ગયો હતો. ભારત વતી લગભગ તમામ બોલરો ઝુડાયા હતા. સૌથી વધુ કુલદીપ યાદવે ત્રણ?વિકેટ ઝડપી હતી, જ્યારે પંડયા, યાદવ અને ચહલે એક-એક વિકેટ ખેરવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer