ભારે વરસાદનો વર્તારો મળ્યો ભડલીમાં ગરીબનાથ સ્થાનકે

ભારે વરસાદનો વર્તારો મળ્યો ભડલીમાં ગરીબનાથ સ્થાનકે
બાબુ માતંગ દ્વારા  નિરોણા (તા. નખત્રાણા), તા. 14 : કચ્છી નવા વર્ષની ભાવભેર ઉજવણી થઇ. તેજીલા તાપ અને વાદળોથી ગોરંભાયેલા ગગન વચ્ચે વરસાદી માહોલ મંડરાય અને વિખેરાય. કુદરતની આ લીલા નીરખી કચ્છી માડુ ભારે બેચેન બની નિસાસો નાખી હતાશા અનુભવી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે ભડલી સ્થિત ધોરમનાથ દાદાના મેળા પ્રસંગે પરંપરાગત વરસાદના વર્તારા માટે બકરી દ્વારા લેવાયેલી પતરીમાં થોડા જ  દિવસોમાં કચ્છ પર મેઘરાજાની મહામહેર થવાના શુભ સંકેત સાંપડયા છે. જેઠ માસમાં વરસાદની પધરામણીને કચ્છી લોકો શુકનવંતો ગણે છે. બબ્બે જેઠ માસ મામૂલી છાંટાને બાદ કરતાં કોરાકટ નીકળ્યા બાદ અષાઢનો આરંભ થયો. કચ્છીજનોએ  મોટી આશા સાથે કચ્છી નવા વર્ષની ઉજવણી કરી, પરંતુ મેઘરાજાના કચ્છમાં ક્યાંય પણ પધરામણીના સમાચાર ન સાંપડતાં કચ્છે ભારે ઉચાટ સાથે આકાશ ભણી મીટ માંડી છે.  કચ્છ જિલ્લાના એક ખૂણામાં શ્રદ્ધા અને સમાનતાના પ્રતીક ગણાતા નખત્રાણા તાલુકાના ભડલી ગામ સ્થિત ગરીબનાથ દાદાના મેળામાં પરંપરાગત વરસાદનાં એંધાણ માટે બકરી દ્વારા લેવાયેલી પતરીમાં ધીરજનાં ફળ મીઠાં મળવાનો આદેશ મળતાં ભાવિકોમાં ભારે આનંદની લહેર ફરી વળી હતી. સંત-શૂરાની ભૂમિ તરીકે જાણીતા ભડલી ગામની ભોંયણ નદીના કાંઠે 1300 વર્ષ પુરાણું ધોરમનાથજીના શિષ્ય દાદા ગરીબનાથનું સ્થાનક આવેલું છે, જ્યાં સદીઓથી ભરાતા લોકમેળામાં નાની બકરી (પઠ) દ્વારા દાદાની પતરી લેવાની પરંપરા આજપર્યંત જારી છે. ભડલી ચોખરામાં આવતાં ભડલી ઉપરાંત રાણરા, થરાવડા, કોટડા, વારાર, વીછિયા અને નથ્થરકુઇ ગામો પોતીકો મેળો માને છે. એટલું જ નહીં, સદીઓ પૂર્વે દાદાના  થયેલા આદેશાનુસાર આ ગામોમાં આંબાનાં વૃક્ષો વાવવા પર પ્રતિબંધ આજ સુધી જારી છે. ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે આ સાત ગામો ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો મેળા પ્રસંગે ઊમટે છે. દ્વિદિવસીય મેળામાં આગલી રાતે સંતવાણીનું આયોજન થાય અને અમાસની સવારથી પરંપરાગત મેળો ભરાય છે. જેમાં ખરી મેદની મેળાની મોડી સાંજે પરંપરાગત રીતે લેવાતી પતરીની  વિધિમાં જોવા મળી હતી. ગરીબનાથનું સમાધિ સંકુલ ખીચોખીચ હતું.  મંદિરના પૂજારી બાવાજી સુરેશગિરિએ ઘંટનાદ અને શંખનાદ વચ્ચે પૂજાપાઠની વિધિ પૂરી કરી નાની બકરી કે જેને સ્થાનિક લોકો પઠ કહે છે તેને લાવવામાં આવી. પઠને દાદાની સમાધિ સન્મુખ ઊભી રાખી પૂજારી દાદાની પ્રસાદી, ધૂણાની રાખ, આંબલીનાં પાન અને કળશનો જળ સહિતનો પ્રસાદ બકરીના માથા પર મૂકી બકરીને  છૂટી મૂકી પૂજારી નાથ સંપ્રદાયના ઉપસ્થિત સાધુઓ અને ભાવિકો એકાગ્ર બની બકરી સારી પતરી આપે તેવી પ્રાર્થનામાં લીન હતા. તમામની નજરો બકરીના હલન- ચલન પર હતી. બકરી ઉપસ્થિત  ભાવિકો સામે નજર દોડાવી બાજુએ આવેલા ઓટલા પર ચડે છે, ઊતરે છે. સમય પસાર થાય છે. પૂજારી બીજીવાર બકરીને દાદાની સમાધિ આગળ ઊભી રાખી માથે પ્રસાદ ચડાવી શરીર પર હાથ ફેરવે છે અને થોડીક જ ક્ષણોમાં બકરી ધૂણી ઊઠતાંની સાથે ઉપસ્થિત ભાવિકો દાદા આદેશ... દાદા આદેશના નાદથી સમગ્ર પરિસર ગુંજવી નાખે છે. લોકો ઊઠી એકબીજાને સારા શુકનની વધાઇ આપતા નજરે પડે છે. છેલ્લા પાંચ-છ દાયકાથી બકરી દ્વારા લેવાતી પતરી વિધિનાં લક્ષણો પરથી વરસાદનો વર્તારો તારનાર બુઝુર્ગ મેળા સમિતિના અગ્રણીઓ ગંગારામ સાંખલા, હમીરભાઇ આયર, રાણાભાઇ રબારી, ખેતુભા જાડેજા, નવીનભાઇ જોષીએ ચાલુ સાલે પતરીના વર્તારાની વિગતો જણાવતાં કચ્છમિત્રને જણાવ્યું કે, બકરીએ ચેનચાળા અને હલન-ચલનની પ્રક્રિયા પછી થોડો સમય રહીને ધૂણી પતરી આપી. આ લક્ષણો પરથી અનુમાન કરી શકાય કે કચ્છ પર આગામી થોડા જ દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. વધુમાં તેમના કહેવા મુજબ, ગત વર્ષે ત્રણ કલાકના વિલંબમાં પતરી મળીપ જેથી ગત ચોમાસું ખૂબ નબળું રહ્યું હતું. એથી અગાઉ પણ પતરીના વર્તારા મુજબ જ વરસની આનાવારી જાણી શકાઇ છે. આ બાબત શ્રદ્ધા અને ભક્તિ સાથે જોડાયેલી છે. બાકી તો કુદરતની ગતિ કોઇ જાણી શક્યું નથી એમ પણ આ અગ્રણીઓ કહે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer