માંડવીમાં કાર્નિવલ સાથે દબદબાભેર ઉજવણી

માંડવીમાં કાર્નિવલ સાથે દબદબાભેર ઉજવણી
માંડવી, તા. 14 (દેવેન્દ્ર વ્યાસ દ્વારા) : કચ્છી નવા વર્ષ આષાઢી બીજને વધાવવા આ બંદરીય  નગર સેવા સદન આયોજિત અને આપણી નવરાત્રિ દ્વારા સંયોજિત કાર્નિવલ-2018ની  દબદબાભેર ઉજવણી કરાઇ હતી. ટાગોર રંગભવનથી સ્નાનઘાટ સુધીના ગૌરવપથ (અનંતમાર્ગ) ઉપર બંને બાજુએ લોકમેળામાં માનવ મહેરામણ ઉભરાયો હતો.  ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ નગરપતિ મેહુલ શાહ અને અગ્રણીઓ સંગાથે 13 શૈક્ષણિક સંસ્થાઓ સહિત 18  જેટલી વેશભૂષાધારી કલામંડળીઓને  પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે  રૂપિયા 1 કરોડ 44 લાખના વિકાસકાર્યોનું ડિજિટલ ખાતમુહૂર્ત ઉપરાંત પુરોગામી પ્રમુખ સુજાતાબેન ભાયાણીના શાસનકાળ દરમ્યાન થયેલા વિકાસકામોનું વિહંગાવલોકન કરાવતી પુસ્તિકા `શહેરની વિકાસયાત્રા'નું વિમોચન કરાયું હતું. કાઠડા ચારણ સમાજના પ્રમુખ દેવાંગભાઇ સાખરાના વડપણ હેઠળ શણગારેલા પાંચ અશ્વ, 4 ઊંટ અને બે બળદગાડાં સાથે ચારણી પરિવેશમાં 24 યુવકોએ તલવારબાજી સહિત રંગ જમાવ્યો હતો. દીપોત્સવની પ્રતીતિ કરાવતી લાઇટોનો ઝગમગાટ નિહાળવા શહેરીજનો, રસિકો મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. દીનદયાલ ખુલ્લા પરિસરમાં મોટી સંખ્યામાં જનતાની ઉપસ્થિતિ વચ્ચે સત્કાર પ્રવચન કરતાં નગરપતિ મેહુલ અભયકુમાર શાહે નવા વર્ષની શુભકામનાઓ પાઠવતાં સર્વાંગી વિકાસયાત્રાને વધારે ધીંગી બનાવવાનો કોલ આપ્યો હતો. પૂર્વ અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીએ પુસ્તિકા વિમોચન બદલ અહોભાવ પ્રદર્શિત કરીને લોકલક્ષી વિકાસકામોની સફળતા બદલ પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઇ છેડા, ધારાસભ્ય શ્રી જાડેજાનો ઋણ સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે સેનિટેશન વિભાગ માટે છ છકડા અને ત્રણ ટ્રેક્ટરનું લોકાર્પણ કરાયું હતું. શહેરને નવો પુલ નસીબ કરાવવા માટેના ફળદાયી પ્રયાસો બદલ  ધારાસભ્ય વીરેન્દ્રસિંહનું વિશિષ્ટ બહુમાન નગરપતિ શ્રી શાહ, ઉપાધ્યક્ષા ગીતાબેન ગોરની  આગેવાનીમાં પાલિકા અને શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલીમામદભાઇ રોહા અને મંત્રી હનીફ જત દ્વારા કરાયું હતું. વક્તાઓ ઉપરાંત જિલ્લા ભાજપના અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઇ ગોહિલ, તા. ભાજપ પ્રમુખ ચંદુલાલ વાડિયા, પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પીઠડિયા, પ્રભારી રેખાબેન દવે, તા.પં. પ્રમુખ ગંગાબેન સેંઘાણી, ઉપપ્રમુખ રાણશી ગઢવી, ભચાઉ ન.પા. પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, તા. ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, મુખ્યાધિકારી સંદીપસિંહ ઝાલા, નરેન સોની, વિનોદભાઇ થાનકી, આપણી નવરાત્રિના મોવડીઓ દેવાંગભાઇ દવે, ભરતભાઇ વેદ, મુલેશભાઇ દોશી, ગોરધન પટેલ `કવિભાઇ', રાજુ કાનાણી, વિજય ચૌહાણ, જિજ્ઞેશ કષ્ટા વગેરે મંચસ્થો હતા. સંચાલન વસંતબેન સાયલ અને જયેશ ભેડાએ અને આભારદર્શન પારસ સંઘવીએ કર્યું હતું. વાડીલાલ દોશી, શાંતિલાલ ગણાત્રા, હનુમંતસિંહ જાડેજા, અમીન મેમણ, હરિભાઇ ધોળુ, અનિરુદ્ધસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, દર્શન ગોસ્વામી વગેરેએ સહયોગ આપ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer