વિથોણમાં 11 હજાર શ્રીફળની ચડતર

વિથોણમાં 11 હજાર શ્રીફળની ચડતર
વિથોણ (તા. નખત્રાણા), તા. 14 : 11 હજાર શ્રીફળની ચડતર, ધ્વજારોહણ, ખેતાબાપાની પાલખીયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ જેવા કાર્યક્રમોમાં અહીંના સંત પરિસરમાં લોકો ઊમટયા હતા. વરસાદ માટે પ્રાર્થના અને વિથોણ ગામમાં સામૂહિક જળાભિષેકથી પરંપરા નિભાવાઇ હતી.?શેરીએ શેરીએ પાણીની છોળો ઊડી હતી. અનેક પરંપરા સાથે 400 વર્ષથી વિથોણ ગામે આષાઢી ઉત્સવ ઊજવાય છે. બાપાના ચરણોમાં માથાદીઠ શ્રીફળ ચડતરની પરંપરા આજે પણ?અવિરત ચાલુ છે. 2010ના ચતુર્થ પ્રાગટય મહોત્સવ પછી દર વર્ષે ખેતાબાપાની પાલખીયાત્રા કાઢવામાં આવે છે. આષાઢી બીજની પૂર્વસંધ્યાએ અહીં પરિસર પ્રાંગણમાં સામૂહિક રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી સંત પરિસરમાં ભાવિકોની લાંબી કતારો લાગી હતી. માથે પ્રસાદ ધારણ કરી બાપાના ગુણગાન ગાતી બહેનો પગપાળા પરિસરમાં આવી હતી જ્યાં સામૂહિક ચડતર અને પ્રસાદની આપ-લે સાથે બાપાની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. ત્યાર પછી વરસાદ માટે દાદાને ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી અને મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. બપોર બાદ ગામની નવોઢાઓએ પવિત્ર જળથી ખેતાબાપાના ચરણ પખાળ્યા હતા અને જળ ભરીને ગામમાં આવી હતી જ્યાં ગામના 50 વર્ષથી વધુ ઉંમરના વડીલોને પિતૃભાવે સ્નાન કરાવ્યું હતું. નવોઢાઓએ વડીલોના નિરોગી આરોગ્યની કામના સાથે ગ્રામજનો ઉપર પાણીનો છંટકાવ કર્યો ને આખા ગામમાં પાણીની છોળો ઊડી હતી. આષાઢી બીજનો ઉત્સવ સંત ખેતાબાપા સમિતિના માર્ગદર્શન હેઠળ તેમજ યુવક તેમજ મહિલા મંડળની દેખરેખ હેઠળ યોજાયો હતો. આષાઢી ઉત્સવમાં નાના-મોટા યુવાન-બાળકો સૌ કોઇ?ભક્તિભાવથી ભીંજાય છે. અહીં કોઇને પરાણે પલાળવાની પ્રથા નથી. સૌ કોઇ ભાવથી ભીંજાય છે. સામૂહિક જળાભિષેક એકાદ કલાક ચાલે છે. ઘંટનાદ સાથે મહોત્સવ અને પરંપરાને વિરામ દેવામાં આવે છે. જળાભિષેક બાદ નર-નારીઓએ ઊભા રહી મેઘ?આગમન માટે પ્રાર્થના કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer