ઘડુલી પાસે ટ્રક બે પિતરાઇ ભૂલકાં માટે બની યમદૂત

ઘડુલી પાસે ટ્રક બે પિતરાઇ ભૂલકાં માટે બની યમદૂત
દયાપર (તા. લખપત), તા. 14 (પ્રતિનિધિ દ્વારા) : તાલુકામાં ઘડુલી ગામ નજીક આજે કચ્છી નવા વર્ષ આષાઢી બીજના સપરમા દિવસે ટ્રકની હડફેટે સ્કૂટર આવી જતાં તીર્થ પરેશભાઇ પટેલ (ઉ.વ. 6) અને હેત જગદીશભાઇ પટેલ (ઉ.વ. 3) નામના કડવા પાટીદાર સમાજનાં બે પિતરાઇ ભૂલકાં કાળનો કોળિયો બની ગયાં હતાં, તો આ બંને હતભાગીના દાદા કાન્તિભાઇ પટેલને ઇજાઓ થઇ હતી. અકસ્માતના પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ ચક્કાજામ કરી નાખવા સહિતનો રોષ દાખવ્યો હતો.  બહાર આવેલી વિગતો અનુસાર, મૃત્યુ પામનારાં બંને પિતરાઇ બાળકો તેમના દાદા સાથે હીરજી બાપાની દેરીએ દર્શન કરવા માટે ગયાં હતાં, જ્યાંથી ટી.વી.એસ. જ્યુપિટર સ્કૂટર ઉપર પરત ફરતા સમયે ઇંટો ભરીને  જઇ રહેલી ટ્રકની હડફેટમાં આવી જવાથી તેમને આ ગોઝારો જીવલેણ અકસ્માત નડયો હતો.   પોલીસે આપેલી માહિતી મુજબ, આ ઘટનામાં કુમળી વયના તીર્થ પટેલ અને હેત પટેલને અત્યંત ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી, જે તેમના બંને માટે સ્થળ ઉપર જ યમદૂત બની હતી, જ્યારે આ બંનેના દાદા કાન્તિભાઇને ઇજાઓ થતાં તેમને સારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા.  આ ઘટનામાં જી.જે. 12 સી.કે. 4219 નંબરનું જ્યુપિટર સ્કૂટર જેની હડફેટે આવી ગયું તે  જી.જે. 12 એ.યુ. 9467 નંબરની ઇંટો ભરેલી ટ્રકનો ચાલક બનાવ બાદ વાહન છોડીને નાસી ગયો હતો. તેની સામે પરેશ કાન્તિભાઇ પટેલ દ્વારા ફરિયાદ લખાવાઇ હતી.  દરમ્યાન, બે-બે માસૂમ ભૂલકાંને મોતમાં ધકેલી દેનારા  આ જીવલેણ અકસ્માતના પગલે ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા. અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ ઉપર એકત્ર થયા હતા. નારાજ ગ્રામજનો દ્વારા માર્ગ ઉપર આડશો મૂકીને ચક્કાજામ કરી દેવાયો હતો. આ પછી બે કલાકે પહોંચેલી પોલીસે લોકોને સમજાવટની કોશિશ કરી હતી. ઘડુલી ગામના બસ સ્ટેન્ડ નજીકના આ સ્થળે ગતિ અવરોધક બનાવવાની માગણી સાથે લોકોએ ચક્કાજામ સર્જ્યો હતો.  મૃતકોના માનમાં ઘડુલી ગામના વેપારીઓએ બપોર બાદ કામકાજ બંધ રાખ્યાં હતાં. બંને માસૂમોની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કરુણ બનાવથી પાંચાડામાં શોક સાથે અરેરાટી વ્યાપી છે. બનાવના પગલે અગ્રણીઓ ગંગારામભાઇ પટેલ, હસમુખ- ભાઇ પટેલ, દયાપર સરપંચ ભવાનભાઇ પટેલ, જયંતીભાઇ પટેલ, નીતિન રૂડાણી, ઉરસ નોતિયાર, હુસૈન રાયમા, દિલીપ જણસારી વગેરે દોડી જઇ મદદરૂપ બન્યા હતા. ઉપસરપંચ સવાઇભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે, આ સ્થળે ચાર રસ્તા છે અને અહીં અવારનવાર અકસ્માત થાય છે. ગતિ અવરોધક માટે વારંવાર કરાયેલી રજૂઆત હજુ વ્યર્થ રહી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer