અમેરિકામાં પ્રથમવાર કચ્છી નવા વર્ષની કો-જૈના દ્વારા ઉજવણી કરાઇ

અમેરિકામાં પ્રથમવાર કચ્છી નવા વર્ષની કો-જૈના દ્વારા ઉજવણી કરાઇ
ભુજ, તા. 14 : અમેરિકામાં પ્રથમવાર કચ્છી નવું વર્ષ આષાઢી બીજની ઉજવણી કરાઇ હતી. સાથોસાથ જૈનોની સંસ્થા કો-જૈનાનું સંમેલન યોજાયું હતું. સંમેલનના આયોજકો નિતુલ હરિયા, નવીન દેઢિયા અને બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ ધારશી છેડા (કુંદરોડી)એ કચ્છી નવા વર્ષની ઉજવણી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચ્છ જો રણકાર અને વેલી જો ધબકારના નારા સાથે કેલિફોર્નિયાની સેનસેરિયો મેરિયેટ હોટલમાં મઠા રે પાં કચ્છી માડુ સાથે ગજિયો મુંજોનાં ગીતો સાથે કો-જૈનાના અને આસપાસના કચ્છી જૈન પરિવારો અમેરિકાના રસ્તા પર ઝૂમી ઊઠયા હતા. કો-જૈના અને કચ્છ વેલી ગ્રુપના યુવાનોએ કચ્છીયતની કાબેલિયતને જીવંત રાખવા ભારે જહેમત ઉઠાવી હતી. રીટા હરિયાએ રમતો રમાડીને સૌને જકડી રાખ્યા હતા. ચંચળબેન જયંતીભાઇ કાનજીભાઇ ગોગારી પરિવાર, શિલ્પાબેન મહેશભાઇ, કરન-નિધિએ દાંડિયાથી સામૈયું કરી સૌની  વાહ વાહ મેળવી હતી. હિનાબેન શાહ, અનિલભાઇ શાહ - ગ્રાન્ડ સ્પોન્સર અને મધુબેન વિજયભાઇ છેડા (કુંદરોડી) - ગોલ્ડ સ્પોન્સર અને હંસાબેન છાડવા પરિવાર -?ડાયમંડ સ્પોન્સર બની કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. આ સંમેલનમાં  અમેરિકા, કેનેડા,  ભારતભરમાંથી 500થી વધુ કચ્છી જૈન પરિવારો ભાગ લઇ રહ્યા છે, જેમાં મુંબઇના પ્રો. અને સેવા સમાજના પૂર્વ પ્રમુખ ઈલાબેન દેઢિયા, ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ છેડા, અશોકભાઇ શાહે ખાસ હાજરી આપી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer