ભુજવાસીઓની ઇચ્છા મુજબ કામ કરજો

ભુજવાસીઓની ઇચ્છા મુજબ કામ કરજો
ભુજ, તા. 14 : ભુજના નગરજનોને વધુમાં વધુ સુખાકારી કઇ રીતે આપી શકીએ તેનો આજે સંકલ્પ કરીએ તેવું રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે ભુજ સુધરાઇની સમિતિઓના અધ્યક્ષોને સન્માનતાં જણાવ્યું હતું. તેમણે વિશ્વભરમાં વસતા કચ્છીઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. શહેરની 15 સંસ્થાઓ દ્વારા આયોજિત કચ્છી નવા વર્ષ સ્નેહમિલન પ્રસંગે શ્રી આહીરે વધુમાં જણાવ્યું કે, શ્રી મોદી મુખ્યમંત્રી બન્યા પછી ઓકટ્રોયની આવક નાબૂદ કરી પણ એટલી બધી ગ્રાન્ટો આવે છે કે, વાપરવી ક્યાં તે વિચારવું પડે છે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ પ્રકૃતિના આ દિને કચ્છી નવા વર્ષની લાખા ફુલાણીએ શરૂઆત કરાવી હતી તે બાદ મોટાપાયે ઉજવણી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોદીએ કરાવી હતી. ખારી નદી પર યોજાનારા પર્જન્ય યજ્ઞમાં આહુતિ આપવા આવવા સૌને આમંત્રિત કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે અધૂરાં કામો પૂરા કરવા એકજૂટ થઇ કામે લાગવા અનુરોધ કર્યો હતો. તેમણે અહમ્નો ત્યાગ કરી કોઇપણ લોકો પાર્ટીથી નારાજ ન થાય તેવી રીતે લોકોની અપેક્ષામાં ખરા ઊતરવા તાકીદ કરી હતી. સ્વાગત પ્રવચન સુધરાઇ સભ્ય જગતભાઇ વ્યાસે અને પ્રાસંગિક પ્રવચન રેશ્માબેન ઝવેરીએ જ્યારે સંચાલન ભૌમિક વચ્છરાજાણીએ કર્યું હતું. કાર્યક્રમમાં સુધરાઇ પ્રમુખ લતાબેન સોલંકી, જિ.પં.ના પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, પક્ષના મોવડીઓ શૈલેન્દ્રસિંહ જાડેજા, નવીનભાઇ લાલન, રામભાઇ ગઢવી, અશોકભાઇ હાથી, કિરીટભાઇ સોમપુરા, બાપાલાલ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા,  દેવરાજભાઇ ગઢવી, ભીમજી જોધાણી વગેરે મંચસ્થ રહ્યા હતા. રાજ્યમંત્રી શ્રી આહીર અને પક્ષપ્રમુખ શ્રી પટેલના હસ્તે સુધરાઇના ચેરમેનો ભરતભાઇ રાણા, અશોકભાઇ પટેલ, અજયભાઇ ગઢવી, દિલીપભાઇ હડિયા, મહિદીપસિંહ જાડેજા, રેશ્માબેન ઝવેરી, સહદેવસિંહ જાડેજા, ગોદાવરીબેન ઠક્કર, જાનકીબેન ભટ્ટ, મીનાબેન ચંદે, જિજ્ઞાબેન ઠક્કર અને કાસમભાઇ કુંભારનું સન્માન કરાયું હતું. લઘુમતી મોરચાના પ્રમુખ આમદભાઇ જતનું સન્માન જગતભાઇ અને કાસમભાઇ ચાકીએ કર્યું હતું.ઐ 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer