ઉપેક્ષા થકી ભુજનો બાયોડાયવર્સિટી પાર્ક વેરાન

ઉપેક્ષા થકી ભુજનો બાયોડાયવર્સિટી પાર્ક વેરાન
ભુજ, તા. 14 : 2007ની 20મી સપ્ટેમ્બરના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શહેરની પશ્ચિમે મિરજાપર રોડ ખાતે પશ્ચિમ વન વિભાગ દ્વારા બનાવાયેલું બાયોડાયવર્સિટી પાર્ક તંત્રની ઉપેક્ષાના કારણે વેરાન બન્યો છે. વિશ્વમાંથી લુપ્ત થતા જંગલી પશુ-પક્ષી, વનસ્પતિઓ, વિવિધ પાકના સંરક્ષણ માટે લોક જાગૃતિ આવે, લોકો તળપદી વનસ્પતિઓથી પરિચિત થાય તેવા ઉદેશ્ય સાથે પશ્ચિમ કચ્છ  વન વિભાગ દ્વારા 2007માં ખુલ્લો મુકાયેલો આ પાર્ક તંત્રની ઉપેક્ષાના કારણે હવે બંધ પડયો છે. તંત્ર દ્વારા 57.34 હેકટરમાં બનાવાયેલા આ પાર્કમાં પુનિતવન, ફલેમિંગોવન, અંબાજી વન, જય વન, સિદ્ધરાજ વન, દુર્વાસાવન, શક્તિવન, મહાવીર વન, ભગીરથ વન, આવેલા છે, જેમાં જે-તે સમયે અલગ અલગ જાતના 95 પ્રકારના 13569 રોપાનું વાવેતર કરાયું હતું. વનતંત્ર દ્વારા જતનના અભાવે આ વાવેતર કરાયેલા રોપાઓમાંથી અનેક રોપા સુકાઇ ગયા છે. આ રોપાના ઉછેર માટે ખાસ જરૂરિયાત પાણીની વ્યવસ્થા માટે લાખોના ખર્ચે આખા પાર્કમાં પથરાયેલી ટપક પદ્ધતિની લાઇનો તૂટેલી હાલતમાં વેર-વિખેર પડી છે. જે લોકો આ વન માટે આગળ  આવેલા એ પણ હવે સ્વાર્થ સરી જતાં ગુમ છે, કિંમતી જમીનની  પણ ફરી માપણી થાય તો ઘણું દબાણ બહાર આવે તેવી દહેશત છે. અહીં આવેલા ઊંચા ટેકરા સહિતના વિસ્તારને પ્રાકૃતિક રીતે જંગલની સ્થિતિમાં રખાયો છે. જેની ફરતે તળપદા વૃક્ષો વાવવામાં આવ્યા હતા પરંતુ આ વૃક્ષો પાણીના અભાવે સુકાઇ ગયા છે. ટેકરા પર બનાવાયેલા કેકટસના ઝાડ પણ સુકાઇ ગયા છે. તેમજ આ પાર્કમાં ફરવા આવનારા લોકો માટે ટેકરા પર તંત્ર દ્વારા સિમેન્ટના બાંકડા મૂકવામાં આવ્યા હતા તે પણ આવારા તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આ પાર્કમાં બનાવાયેલું તળાવ સૂકુંભઠ્ઠ પડયું છે. જેને ઊંડું કરવાની ખાસ જરૂર છે જેથી તેમાં વધુ પાણી સંગ્રહી શકાય. આ જંગલ વિસ્તારમાં કચ્છની તળપદી વનસ્પિતિઓની સાથે સાથે કચ્છના ચિંકારા, વરૂ, શિયાળ, ઘોરાડ પક્ષીની પ્રતિકૃતિઓ બનાવી તેની ચારેતરફ ફેન્સિંગ કરવામાં આવી હોવા છતાં આ પ્રતિકૃતિઓ હાલ ખંડિત અવસ્થામાં છે. આ પાર્કમાં 425 મીટરનો ફોરેસ્ટ ટ્રેઇલ, 3 કિ.મી.નો વોકિંગ પાથ, ઓપન એર થિયેટર પ્રોજેક્ટ, ડાઇનિંગ કોન્ફરન્સ રૂમ, રેસ્ટિંગ પ્લેસ, વનકુટિર, રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યા હતા પરંતુ બધાની હાલત બિસમાર છે. હાલ તો આ પાર્કમાં તળપદા વૃક્ષોને બદલે ગાંડા બાવળોએ સામ્રાજ્ય જમાવ્યું છે. ચોકીદાર વિનાના આ પાર્કમાં અંધારાનો લાભ લઇ આવારા તત્ત્વો અહીં અડ્ડો જમાવી દારૂ સહિતની પ્રવૃત્તિ કરતા હોવાના ચિહ્નો જોવા મળ્યા હતા. આ પાર્કના ઉદ્ઘાટન બાદ અનેક શાળાના બાળકોએ મુલાકાત લઇ કચ્છના જંગલી જાનવરો, તળપદી વનસ્પતિઓથી પરિચિત થયા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પાર્ક વેરાન બનતાં બાળકો તો શું કોઇ શહેરીજનો કે પ્રવાસીઓ પણ અહીં નથી આવતા. પાર્કમાં દરેક સુવિધા, કયા વૃક્ષોનું વાવેતર દર્શાવતા બોર્ડનું લખાણ જ ગાયબ થઇ ગયું છે. બીજી તરફ, આ પાર્કની અંદર જ આવેલો પુનિત વન આસપાસના લોકોના સહકારથી મ્હોરી ઊઠયો છે. આ પુનિત વનમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 450 મીટરની લંબાઇનો વોકવે છે, જેમાં સવાર-સાંજ આસપાસના રહેવાસીઓ ચાલવા આવે છે તેમજ આ વનમાં યોગ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ વનમાં નક્ષત્ર, સ્વસ્તિક, રાશિ અને નવગ્રહ વન આવેલાં છે, તેમજ આ વન અનેક વૃક્ષોથી હરિયાળું બન્યું છે. વિસ્તારના રહેવાસીઓ દ્વારા પુનિત વન ગ્રુપ બનાવાયું છે, જેમાં વિજયભાઇ મોનાણી, ભૂપેન્દ્રભાઇ મહેતા, લખમશી- ભાઇ ભાનુશાલી, સુકેતુ રૂપારેલ સહિતના 100 જેટલા સભ્યો જોડાયેલા છે, જેમના દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાય છે. તાજેતરમાં જ ગાયત્રી પરિવાર દ્વારા અહીં 100 રોપાનું વાવેતર કરાયું હતું અને દરેક સભ્યો દ્વારા તેને દત્તક પણ લેવાયા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer