કચ્છમાં કન્યા કેળવણી ક્ષેત્રે ડ્રોપ રેશિયો ચિંતાજનક

કચ્છમાં કન્યા કેળવણી ક્ષેત્રે ડ્રોપ રેશિયો ચિંતાજનક
ભુજ, તા. 14 : કચ્છમાં આર્થિક પરિસ્થિતિ તેમજ કેટલીક જગ્યાએ વાહનવ્યવહારની સગવડના અભાવે દીકરીઓ પ્રાથમિકમાંથી હાઇસ્કૂલ અને હાઇસ્કૂલમાંથી કોલેજ કક્ષાએ અભ્યાસ છોડી દેતી હોવાની હકીકત ચિંતાજનક છે તેવું શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારના વિદ્યાર્થીઓને રોટરી અને માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા મફત નોટબુક વિતરણ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું. શ્રી વ્યાસે કન્યા કેળવણી માટે કચ્છમાં શિક્ષણક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓને આગળ આવવા અનુરોધ કર્યો હતો. પ્રારંભે રોટરી પ્રમુખ પ્રફુલ્લ ઠક્કરે ટીચ મિશન અંગે માહિતી આપી હતી. પી.જી.ડી. મોહનભાઇ શાહે રોટરી સંબંધિત વિગતો આપી હતી તેમજ માતાના મઢ દ્વારા છપાવાયેલી નોટબુકોનું વિમોચન કરાયા બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નીલેશ ગોર, જાગીર ટ્રસ્ટના ખેંગારજી જાડેજા, ઇન્નરવ્હીલના અમિતા સંઘવી, પ્રેમિલાબેન ઠક્કર, અનિતા બજોરિયા, રોટરેકટના સહેલી શાહ, બિનલ છાયા, ધીરેન ઠક્કરના હસ્તે નોટબુકોનું વિતરણ કરાયું હતું. ડો. જયંત વસા, ડો. અરવિંદ મહેતા, નરેન્દ્ર વિરાણી દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું. આ તકે જાગીર ટ્રસ્ટના પ્રવીણસિંહ વાઢેરે લખપત તાલુકામાં ચાલુ વર્ષે 20 હજાર જેટલા વિદ્યાર્થીઓને રૂા. 25 લાખના ખર્ચે અપાયેલી શૈક્ષણિક કિટની વિગતો આપી હતી. રાજેશ ઠક્કર, ડો. અઝીમ શેખ, અશરફ મેમણ, મોહનલાલ ઠક્કર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કે. કે. તન્નાએ સહયોગ આપ્યો હતો. સંચાલન ટીમ ચેરમેન પરાગ ઠક્કરે, આભારવિધિ મંત્રી ઉર્મિલ હાથીએ કર્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer