જય જગન્નાથના નાદથી ગાંધીધામ ગુંજી ઊઠયું

જય જગન્નાથના નાદથી ગાંધીધામ ગુંજી ઊઠયું
ગાંધીધામ, તા 14 : અહીંના જય જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધીધામ ખાતે રથયાત્રાનું પરંપરાગત રીતે આયોજન કરાયું  હતું. આ વેળાએ કચ્છના આર્થિક પાટનગરના માર્ગો જય જગન્નાથના ગગનભેદી નારાથી ગુંજી ઊઠયા હતા. રથયાત્રાનું ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના વર્ધમાનનગર વિસ્તાર સ્થિત જગન્નાથ મંદિર પાસેથી સવારે 9-30 વાગ્યે ભગવાનની નગરચર્યાનો આરંભ થયો હતો. એરપોર્ટ રોડ, રોટરી સર્કલ, ટાગોર રોડ, ઓસ્લો સર્કલ, જૂની કોર્ટ વિસ્તાર, ભાઇપ્રતાપ સર્કલ, ઝંડા ચોક, જવાહર ચોક, મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં ફરી સાંજે 5-30 વાગ્યે ભગવાન જગન્નાથ રેલવે કોલોની સ્થિત શિવમંદિર ખાતે મોસાળ પહોંચ્યા હતા. સવારથી સાંજ સુધીની યાત્રા દરમ્યાન લોકોએ ભગવાનના રથને દોરડાથી ખેંચ્યો હતો. રથ પૂર્વે જીપકારમાં ભગવાનની રથયાત્રાના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવતો હતો. વિવિધ વિસ્તારમાં લોકોએ નગરચર્યાએ નીકળેલા ભગવાન જગનન્નાથનાં દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. ઉડિયા સમાજના પરંપરાગત વાદ્યોથી આર્થિક પાટનગરમાં પુરીનો માહોલ ખડો થયો હતો. આવતીકાલ એટલે કે તા. 15-7થી 22-7 સુધી શિવમંદિર રેલવે કોલોની ખાતે દરરોજ સાંજે સંધ્યા આરતી, મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે, તા. 16-7ના સાંજે 8 વાગ્યે રેલવે કોલોની સમુદાય ભવન ખાતે બાબા અખંડમણિ દ્વારા જગન્નાથ સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજાશે. તા. 22ના સવારે 9-30 વાગ્યે શિવમંદિરથી વર્ધમાનનગર ગળપાદર સુધી બાહુડા પાયા યોજાશે. શોભાયાત્રાનું ગાંધીધામ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી હાજી મુસા રાયમાએ સમગ્ર ઉડિયા સમાજને આજના દિવસની શુભેચ્છા પાઠવી સર્વે કચ્છીઓને પણ કચ્છી નવા વર્ષ આષાઢી બીજની શુભેચ્છા પાઠવી હતી. આ વેળાએ મુસ્લિમ સમાજના આગેવાનો નાસીરખાન, શાહનવાઝ શેખ, શકુર માંજોઠી, અસરફ વાસ્તા, અલી કુંભાર, ઇસીલ જગિયા, અભામિયાં સૈયદ, રફીક બારા, સુલેમાન નિગામરા, હુસેન ચાવડા, યુસુફ સંઘાર, કોંગ્રેસના સંજય ગાંધીએ પણ રથયાત્રાનું સ્વાગત કર્યું હતુ. ઉડિયા સમાજે મુસ્લિમ સમાજ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer