અંજારમાં વાહન ચલાવવા સંદર્ભે ગુજરાતનો પ્રથમ એચ.એમ.વી. ટેસ્ટિંગ?ટ્રેક બનાવાશે

અંજારમાં વાહન ચલાવવા સંદર્ભે ગુજરાતનો પ્રથમ એચ.એમ.વી. ટેસ્ટિંગ?ટ્રેક બનાવાશે
કુલદીપ દવે દ્વારા  ગાંધીધામ, તા. 14 : ઐતિહાસિક અંજાર શહેરે પૂર્વ કચ્છનું વડુંમથક બનવાની દિશામાં ધીમા ડગ માંડયા છે. પૂર્વ કચ્છ આર.ટી.ઓ. કચેરીના ફિટનેસ સેન્ટરના કામનો ધમધમાટ શરૂ?થયો છે તેમજ અત્રે સંભવત: ગુજરાતનો પ્રથમ એચ.એમ.વી. ટેસ્ટિંગ ટ્રેક બનશે, જેનું કામ વહીવટી મંજૂરી પર અટક્યું હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી બાજુ આ જગ્યા પાસે જ એ.આર.ટી.ઓ. કચેરી બનાવવા માટે વધુ જમીનની ફાળવણી અર્થે રાજ્ય સરકાર સમક્ષ ફાઇલ મૂકી માગણી કરાઇ હોવાના અહેવાલ સાંપડયા હતા. ટૂંકમાં નજીકના ભવિષ્યમાં વાહન સંબંધી તમામ કામગીરી સાથે પૂર્ણ કક્ષાની આર.ટી.ઓ. કચેરી કાર્યરત થશે એવી આશા લોકોને બંધાઇ છે. છેવાડાના મુલક તરીકે જાણીતા કચ્છ જિલ્લામાં વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં વિભાજિત કરવા માટે લાંબા સમયથી કવાયત ચાલી રહી છે ત્યારે અંજારને પૂર્વ કચ્છનું વડું મથક બનાવવા માટે સ્થાનિકોથી માંડી વેપારી અગ્રણી સંસ્થાઓ માંગ કરી રહી છે. પરિણામે વીજતંત્ર, ખાણ-ખનિજ વિભાગ સહિતની કચેરી આ શહેરના ફાળે આવી છે. આ ઉપરાંત અંજારના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહીરના પ્રયાસ થકી એ.આર.ટી.ઓ. કચેરીને પણ અત્રે બનાવવાનો નિર્ણય લેવાતાં આ પંથકના લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. પૂર્વ કચ્છમાં વાહન સંબંધિત કામગીરી કરનાર મોટર વાહન નિરીક્ષકની કચેરી મેઘપર બોરીચીમાં કાર્યરત છે. અલબત્ત, અત્રે લાયસન્સ, આર.સી. બુક સહિતની કામગીરી ન થતી હોવાથી અરજદારોને ભુજ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. રાપરના અરજદારોને વધારે પ્રમાણમાં હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઊઠી છે. હાલના સમયે અંજાર-વરસામેડી માર્ગ પર સરકારી આરામગૃહની નજીકના અંતરે આર.ટી.ઓ. વિભાગનું અદ્યતન ફિટનેસ સેન્ટર રૂા. 5.56 કરોડના ખર્ચે આકાર પામી રહ્યું છે જેનાં કામનો ધમધમાટ શરૂ થયો છે. આ સેન્ટરનું કામ અંદાજિત ત્રણ મહિનામાં પૂર્ણ થાય એવું અનુમાન લગાવાઇ રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગના એન્જિનીયર જિગરભાઇ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, સેન્ટરમાં ઓફિસ ઇમારત, કેન્ટીન, શૌચાલય, પાકાં રસ્તાઓ અને વાહન પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ગુજરાતમાં હાલ માત્ર સુરતમાં આ પ્રકારનું સેન્ટર કાર્યરત છે, ત્યાર પછીનું બીજું સેન્ટર અત્રે બની રહ્યું છે એવું સંકળાયેલા અધિકારી વર્ગે જણાવ્યું હતું. ફિટનેસ સેન્ટરના પાછળના ભાગે સંભવત: ગુજરાતનો પ્રથમ એચ.એમ.વી. ટેસ્ટિંગ ટ્રેક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી અપાઇ?છે. ટ્રેક નિર્માણ માટે અંદાજિત 1.21 કરોડના ખર્ચની મંજૂરી અપાઇ હતી પરંતુ ખર્ચ વધુ હોવાથી રૂા. 3.36 કરોડના ખર્ચ માટે વહીવટી મંજૂરી મેળવવા અર્થે દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી છે જેની મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં કામ શરૂ?કરવામાં આવશે એવું માર્ગ અને મકાન વિભાગના અધિકારી શ્રી બલદાણિયાએ જણાવ્યું હતું.  એ.આર.ટી.ઓ. કચેરી સંદર્ભે અંજાર નાયબ કલેક્ટર વિજયભાઇ રબારીનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ફિટનેસ સેન્ટર અને ટેસ્ટિંગ ટ્રેક પાસે જ એ.આર.ટી.ઓ. કચેરી નિર્માણ થાય તે માટે વધુ જમીન ફાળવવા ઉચ્ચકક્ષાએ માગણી મુકાઇ છે. આ કચેરી બનાવવા માટે અંદાજિત સાત કરોડ જેટલો ખર્ચ થશે એવું અધિકારી વર્ગે ઉમેર્યું હતું. વાહન વ્યવહાર વિભાગ દ્વારા અંજારમાં પૂર્ણ કક્ષાની આર.ટી.ઓ. કચેરી સત્વરે બનાવી કાર્યરત કરાય એવી પ્રબળ માંગ ઊઠી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer