ભુજમાં ધોળા દિવસે 1.13 લાખની ઘરફોડી

ભુજ, તા. 14 : શહેરમાં ભીડ નાકા બહાર દાદુપીર રોડ ઉપર રેલવે મથકની સામે રહેતાં પુષ્પાબેન અમૃતલાલ લીલાધર છત્રાળાના બંધ મકાનનું તાળું તોડીને તેમાંથી ધોળા દિવસે રૂા. 1.13 લાખની માલમતા ચોરી જવાતાં કાયદાના રક્ષકો ભારે દોડધામમાં પડી ગયા છે, તો બીજી બાજુ માંડવી તાલુકામાં દેઢિયા ગામની સીમમાં કાર્યરત સુઝલોન કંપનીની ત્રણ પવનચક્કીને નિશાન બનાવીને કોઇ હરામખોરો તેમાંથી રૂા. 80 હજારની માલસામગ્રી ઉઠાવી ગયા હતા. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત માહિતી મુજબ, આ જિલ્લા મથકે રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાં વૃદ્ધ વયનાં પુષ્પાબેન છત્રાળાનું બંધ મકાન ગઇકાલે સવારથી સાંજ દરમ્યાન તસ્કરોની હડફેટે ચડયું હતું. આ બંધ ઘરનું તાળું તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. લોખંડના કબાટનું તાળું પણ તોડીને તેમાં પડેલા રૂા. 59,300ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂા. 54 હજાર રોકડા મળી કુલ્લ રૂા. 1.13 લાખની માલમતા તેઓ ઉઠાવી ગયા હતા. આ મોટી ઘરફોડ ચોરી વિશે ગતરાત્રે પોલીસને જાણ કરીને વિધિવત્ ફરિયાદ દાખલ કરાવાયા બાદ બી. ડિવિઝન પોલીસ મથકના તપાસનીશ ફોજદાર બી.પી. પતાણી સ્ટાફના સભ્યો સાથે સ્થાનિકે દોડી જઇ તપાસમાં પરોવાયા હતા. આ શહેરમાં અગાઉ થયેલી ઘરફોડ સહિતની અનેક નાની-મોટી ચોરીના ભેદ હજુ વણઉકેલ હાલતમાં છે તેવા સમયે વધુ એક મોટી ઘરફોડી દિવસના ભાગે થતાં કાયદાના રક્ષકો માટે જબ્બર પડકાર ઊભો થયો છે. બીજી બાજુ, ગઢશીશા પોલીસ મથક હેઠળના દેઢિયા ગામની સીમમાં કાર્યરત સુઝલોન કંપનીની ત્રણ પવનચક્કીમાંથી ચોરી થઇ છે. આ વિશે કંપનીના ખેંગાર રામભાઇ ગઢવી (રે. ભાડા)એ લખાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 7મીની રાત્રિ દરમ્યાન આ પવનચક્કીનો દરવાજો તોડી તેમાંથી 40-40 મીટરના તાંબાના વાયરના બાર ટુકડા તથા પવનચક્કી નંબર બી.ડી.એમ.5 ખાતેથી 60 મીટર અને પવનચક્કી સી. 114 ખાતેથી 100 મીટર વાયર મળી કુલ્લ રૂા. 80 હજારનો મુદ્દામાલ ઉઠાવી જવાયો હતો. સબ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલે કેસની તપાસ હાથ ધરી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer