ભીમાસરના યુવાનની બે મિત્રોએ હત્યા નીપજાવી હતી : એકની ધરપકડ

ગાંધીધામ, તા. 14 : અંજારમાં લૂંટ કરી હત્યા કરવાના કેસમાં હત્યારા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. એક આરોપી ઝડપાઇ ગયો છે. જ્યારે બીજા આરોપીને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કરાયાં છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ 37 વર્ષીય પરપ્રાંતીય યુવા પ્રતાપસિંઘ ઉમ્મીદસિંઘ શેખાવતની લાશ ભીમાસર નજીક મળી આવી હતી. તેના ભાઇની પૂછપરછ કરતાં તેની પાસે બે મોબાઇલ ફોન, રોકડ રકમ હોવાનું જણાવ્યું હતું. આ બનાવનો ભેદ ઉકેલવા પૂર્વ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાની ટીમે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ પોલીસે શામજીને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમ્યાન બહાર આવેલી વિગતો મુજબ તેના મિત્ર ભરત ડાયા કોલી સાથે  મળી પથ્થરથી માર મારી હત્યા કરી હતી. બન્ને જણા પાસે પૈસા ન હતા, જમવા માટે પૈસાની જરૂર હતી ત્યારે હતભાગી યુવાન પાસે પૈસા મળશે તેવું ધારી તેને  ઘેરી લઇ લૂંટ કરી હતી. આ દરમ્યાન ઝપાઝપી થતાં તેની હત્યા નીપજાવી હતી. આરોપીએ લૂંટેલા રોકડા રૂા. 300 વાપરી નાખ્યા હતા. તેમજ નજીવી કિંમતનો મોબાઇલ ફોન આરોપીના રહેણાકના મકાનમાં કબ્જે કર્યો હતો. બેંકના કાર્ડ બનાવ સ્થળેથી કબ્જે કરાયા હતા. બીજા આરોપી ભરતને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કરાયાં છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer