રાપરના દરેક વોર્ડની ખૂટતી કડીઓ પૂર્ણ કરવામાં આવશે

રાપર, તા. 14 : અહીંની નગરપાલિકાના મળેલા જનરલ બોર્ડમાં વિવિધ વિકાસકાર્યોને બહાલી અપાઇ હતી. તા. 12ના પ્રમુખ ગંગાબેન આર. સિયારિયાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં દરેક વોર્ડની ખૂટતી કડીઓ પૂર્ણ કરવાની ખાતરી અપાઇ હતી. કચેરીમાં ચાલુ નોકરી દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીઓ મોહનભાઇ કે. કોલી તથા વેલાભાઇ ડી. ઝાલાને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત શહેરના બગીચાનો વધુ વિકાસ કરવા નવા રમત-ગમતનાં સાધનો, વ્યાયામ માટેના જીમનાં સાધનો તથા અન્ય સુધારણાનાં કામો, અનુ.જાતિ વિસ્તારો માટે રસ્તા બનાવવાનાં કામો, માંડવી ચોકમાં પે એન્ડ યુઝનું કામ તથા અન્ય સદસ્યો તરફથી સૂચન થયાં હતાં,  તે અંગે ચર્ચા કરાઇ હતી. માસ એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિક વાર્ષિક હિસાબોને બહાલી અપાઇ હતી. ઉપાધ્યક્ષ હઠુભા સોઢા, કા. ચેરમેન કાનીબેન કોલી, શાસક પક્ષના  નેતા બળવંતભાઇ ઠક્કર, પ્રવીણભાઇ ઠક્કર,  મુરજીભાઇ પરમાર, જાકબભાઇ કુંભાર, શૈલેશભાઇ શાહ, ધીંગાભાઇ પઢિયાર, દક્ષાબેન કોલી, શકીનાબેન રાઉમા, ભચીબેન બાંભણિયા, નીલમબા વાઘેલા, નિશાબેન કારોત્રા, રસીલાબેન ચાવડા વિ.એ ચર્ચામાં ભાગ લીધો હતો. કાર્યવાહી મુખ્ય અધિકારી મેહુલભાઇ જોધપુરાએ સંભાળી હતી. જુદી જુદી શાખાઓ  તરફથી દિનેશ સોલંકી, અરવિંદગિરિ ગોસ્વામી, મહેશભાઇ સુથાર, કિશોરભાઇ ઠક્કર, રાજેન્દ્ર દવે, અનિરુદ્ધસિંહ જાડેજા વિગેરે માહિતી સાથે  હાજર રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer