માંડવી તાલુકાના ગામોમાં ચાર લાખ રૂપિયાના ઘાસનું નીરણ

માંડવી, તા. 14 : અહીંની વેપારી સંસ્થા માંડવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા છેલ્લા ચાર દિવસમાં એક લાખ કિલો લીલી જુવાર રાજધાની ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી મગાવીને ચાર લાખની લાગતથી 20 જેટલા મહાજનવિહોણા ગામોને નક્કી કરેલા સ્થળે વિતરણ કરાઈ રહ્યું છે. ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી, ઉ.પ્ર. પારસ શાહ, માનદમંત્રી નરેન્દ્ર સુરુ વગેરેના જણાવ્યા અનુસાર ચારા નીરણનું આરંભાયેલું કાર્ય અધવચ્ચે ન છોડવું જોઈએ. દાન માટે દાતાઓને ફેરવિચારણા માટે વિનંતી કરવામાં આવી હતી. આખા કચ્છમાં લીલોચારો મળવો બંધ થઈ ગયો છે. આવા સમયમાં માંડવી ચેમ્બરે સમયસર ઉચિત પગલું ભર્યું છે. રોજિંદો ગાયમાતાના મોમાં 4થી 5 કિલો ચારો જાય તો જીવી જાય તેમ છે. નહીંતર ગાયોમાં મરણ શરૂ થઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. આવું કથન ગ્રામ્ય વિસ્તારના મોટી ઉંમરના આગેવાનોએ જણાવ્યું હતું. જે ગામલોકો પોતાના ગામના ટ્રેક્ટર દ્વારા ચારો લેવા આવે છે તેમાં મુખ્ય છે નાના લાયજા, ભાડા, પાંચોટિયા, ભીંસરા, માપર, મોડકુબા, નાગ્રેચા, કોકલિયા, બાંભડાઈ, કોટાયા, મોટા કરોડિયા, નાની ઉનડોઠ, મોટા રતડિયા, સાભરાઈ વગેરે. બાકી મોટા લાયજા તથા દેઢિયાને પણ થોડો ઘણો અપાય છે. ખાસ કરીને રોજિંદો એક પાંજરાપોળને પણ અપાય છે જેમાં માંડવી, ભુજપુર, મુંદરા, લુણી, પોલડિયા વગેરેને 125થી 150 મણ અપાય છે એવું જણાવાયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer