ગાંધીધામના ગરીબ છાત્રોનો ઉચ્ચ શિક્ષણ મેળવવાનો માર્ગ અંતે પ્રશસ્ત થતાં હર્ષ

ગાંધીધામ, તા. 14 : શહેરમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ન હોવાને કારણે ગરીબ વિદ્યાર્થીઓ આવા અભ્યાસથી વંચિત રહેતા હતા. સામાજિક કાર્યકર્તા નાગશી માતંગે શહેરના ગણેશનગર ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માંગ કરી હતી. દરમ્યાન, આ વિસ્તારમાં સરકારે ધો. 11 અને 12ના વર્ગો શરૂ કરવા પરવાનગી આપતાં ગરીબ વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ ખુલ્લો થયો છે.આ શહેરમાં આવેલી ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મોંઘીદાટ હોવાથી તથા ગરીબ વિદ્યાર્થીઓના વાલી આવી મોંઘી ફી ન ભરી શકતા હોવાથી અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ મળી શકતો ન હતો. શહેરની ગણેશનગર સેક્ટર-5ની સરકારી શાળા છેલ્લાં પચીસ વર્ષથી કાર્યરત છે. આ શાળામાં મોટી ઈમારત, ફર્નિચર વગેરે સુવિધાઓ પણ છે. આમ છતાં ધો. 11-12ના સાયન્સ, આર્ટ્સ, કોમર્સના વર્ગ નથી, જે અંગે સામાજિક કાર્યકર્તા નાગશી ખેરાજ માતંગે જિલ્લા શિક્ષણાધિકારી અને ઉપલી કક્ષાએ રજૂઆત કરી હતી. દરમ્યાન, આ શાળામાં ધો. 11-12ના તમામ પ્રવાહના વર્ગો શરૂ કરવા સરકારે પરવાનગી આપી હતી. આ અંગે સ્થળ તપાસ કરી ટૂંક સમયમાં આ વર્ગો શરૂ કરી દેવામાં આવશે. ગરીબ વિદ્યાર્થીઓ માટે સરકારી શાળામાં ધો. 11-12ના વર્ગો શરૂ કરાતાં વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer