ગાંધીધામ આઈટીઆઈમાં પગારની અનિયમિતતાના કારણે શિક્ષણને અસર

ગાંધીધામ, તા. 14 : એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકસાવવા ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો પ્રત્યે ધ્યાન અપાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ગાંધીધામની આઈટીઆઈમાં પગારની અનિયમિતતાથી કંટાળેલા પ્રવાસી શિક્ષકો ફરજ પર જ આવ્યા ન હોવાથી વિવિધ ટ્રેડમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડે છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીધામમાં જીઆઈડીસી સ્થિત ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કોમ્પ્યુટર ટ્રેડમાં 10 જેટલા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની ભરતી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી આ પ્રવાસી શિક્ષકોના પગારમાં અનિયમિતતા સર્જાઈ છે. જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે, એપ્રિલ મહિનાનો પગાર જૂનમાં મળ્યો હતો અને મે અને જૂન મહિનાનો પગાર હજુ સુધી ચૂકવાયો નથી. પગારમાં અનિયમિતતા થતાં બીજા શહેરમાંથી આવતા પ્રવાસી શિક્ષકો લાંબા સમયથી ફરજ પર ન આવતાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય અટક્યું હોવાનું વિદ્યાર્થી અને વાલી વર્તુળોએ ચિંતા સાથે જણાવ્યું હતું. લાંબા સમયથી સર્જાયેલી આ પરિસ્થિતિ નિવારવા જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતાં વિવિધ શાળામાં શૈક્ષણિક કાર્યને અસર પહોંચી છે. વિદ્યાર્થીઓના હિતમાં આ પરિસ્થિતિનો ત્વરિત નિકાલ લાવવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ, વાલીઓમાં પ્રબળ બની છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer