અંજારમાં સંકલિત બાળ વિકાસ ઘટક કચેરી માટે નાણાં ફાળવાયાં

ગાંધીધામ, તા. 14 : અંજાર ખાતે સંકલિત બાળ વિકાસ યોજનાની અદ્યતન કચેરીના મકાનનાં બાંધકામ માટે 32 લાખની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઇ છે. અંજાર તાલુકાના 200 આંગણવાડી, 182 આંગણવાડી વર્કર, 169 હેલ્પર, 14 જણાનો ઓફિસ સ્ટાફ સહિત 365 કર્મચારીઓનો વહીવટ કરતી સંકલિત બાળ વિકાસ યોજના ઘટક કચેરી અંજારમાં લાંબા અરસાથી જર્જરિત મકાનમાં ચાલતી હતી. જર્જરિત મકાનનાં કારણે કામ કરતા કર્મચારીઓ અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ભૂકંપમાં પણ આ ઇમારતને નુકસાન થયું હતું. કચેરીનું અદ્યતન મકાન બનાવવા અંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાંભઇબેન જરૂ, હાલના પ્રમુખ ગોવિંદ ડાંગર, ઉપપ્રમુખ જ્યોત્સનાબેન દાસ, તાલુકા ભાજપ પ્રમુખ શંભુ આહીર વગેરેએ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર સમક્ષ રજૂઆત કરી હતી. રાજ્યમંત્રી શ્રી આહીરે આ સંદર્ભે મહિલા બાળ કલ્યાણ વિકાસ મંત્રી વિભાવરીબેન દવે, મહિલા બાળ વિકાસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. સરકાર દ્વારા 32 લાખના ખર્ચે કચેરીના બાંધકામને ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવી હતી. આ કચેરી તાલુકા પંચાયતના પરિસરમાં બને તે માટે સામાન્ય સભામાં ઠરાવ કરી જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. જિલ્લા પંચાયત બાંધકામ શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા આદરવામાં આવી છે. કચેરી મંજૂર થતાં આશા વર્કરો, હેલ્પર કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer