પ. કચ્છમાં 186 અકસ્માતમાં 103 જિંદગી હણાઇ

પ. કચ્છમાં 186 અકસ્માતમાં 103 જિંદગી હણાઇ
ભદ્રેશ ડુડિયા દ્વારા  ભુજ, તા. 11 : ભૂકંપ બાદ કચ્છ ધીરે ધીરે બેઠું થયું અને ત્યાર બાદ ઉદ્યોગીકરણના પગલે પૂર ઝડપે વિકાસની ગાડી દોડતી થઇ તેની સાથે જ માર્ગોમાં પણ ગાડીઓ પૂર ઝડપે દોડવા લાગતાં અકસ્માતોનો ગ્રાફ દિવસો દિવસ ઊંચો જ જઇ રહ્યો છે. છેલ્લા છ માસ દરમ્યાન જ પશ્ચિમ કચ્છમાં કુલ્લ મળીને 186 માર્ગ અકસ્માતો થયા છે અને તેમાંય 82 રક્તરંજિત થયેલા ગંભીર અકસ્માતમાં 103 જેટલી મહામૂલી જિંદગી હણાઇ હતી અને 225 જેટલા ઘવાયા હતા. ટ્રાફિક પોલીસનું કામ ટ્રાફિક નિયમન છે તેમજ વાહન ચાલકોમાં અકસ્માત ન થાય તે માટે જાગૃતિ આવે તે ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો આપે છે તે વચ્ચે જનહિતાર્થે દુર્ઘટનાઓમાં હણાતી મહામૂલી જિંદગી બચી શકે અને ઊંચો જતો માર્ગ અકસ્માતોનો ગ્રાફ નીચે આવે તેવા શુભ ઉદ્શે સાથે તા. 1-1-2018થી 1-6-2018 સુધી થયેલા માર્ગ અકસ્માતોનો રોડ પ્રમાણે સર્વે કરવામાં આવ્યો છે જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિકના વડા પી.આઇ. જે.એમ. જાડેજાએ આપેલી વિગતો મુજબ રાજ્યના 42 નંબરના ધોરીમાર્ગ કનૈયાબેથી ભુજ થઇ દેશલપર ચેક પોસ્ટથી નખત્રાણા અને ત્યાંથી લખપત સુધી છ માસ દરમ્યાન સૌથી વધુ 48 એકસીડેન્ટમાં 22 જેટલા ગંભીર અકસ્માતો થયા હતા. જેમાં 48 જેટલા લોકોના મૃત્યુ થયા અને 66 ઘાયલ હતા. તેમાંય ભુજથી કનૈયાબે વચ્ચે નવ અકસ્માતો થયા છે. ભુજના શેખપીરથી કનૈયાબે સુધી માર્ગ એકદમ સીધો હોવાથી આ માર્ગ પર વાહનો પૂરપાટ દોડે છે. જ્યાં વચ્ચે આવતા ગામના આંતરિક માર્ગના ત્રિભેટે અકસ્માતો સર્જાતા હોવાથી ખાસ ત્યાં સ્પીડબ્રેકર અને ઝીબ્રા ક્રોસીંગના પટ્ટા, માર્ગો પર રેડિયમ લગાવવા ઉપરાંત ત્યાં 100 મીટર સુધી રોડ લાઇટો લગાવાનું અને ઝાડીઓ દૂર કરવાનું સૂચન કર્યાનું શ્રી જાડેજાએ ઉમેર્યું હતું આ ઉપરાંત પણ અલગ-અલગ માર્ગો મુજબ અલગ-અલગ સૂચનો પણ કર્યા છે જેમાં વાહન ધીમે હંકારવા, ગતિમર્યાદા, વળાંક અને સંભવિત અકસ્માત ઝોનના સાઇન બોર્ડ લગાડવા જેવા દિશા નિર્દેશો પણ આ માર્ગ-મકાન વિભાગને કરાયા છે. છ મહિના  પત્રક પર નજર કરતાં તેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 41 વવાર પાટિયાથી મુંદરા થઇ માંડવીથી કોઠારા, નલિયા અને વાયોરથી નારાયણ સરોવર સુધીના માર્ગમાં 22 અકસ્માતમાં આઠ ગંભીર અકસ્માતો હતા જેમાં 22 લોકો મૃત્યુ પામ્યા હતા. અને 26 લોકોને ઇજા પહોંચી હતી. ભુજથી રતનાલ વચ્ચે 21 અકસ્માતમાં 10 ગંભીર દુર્ઘટનામાં 16 વ્યક્તિના મોત થયા છે અને 17ને ઇજા પહોંચી છે. ભદ્રેશ્વર, વડાલા ત્રણ રસ્તાથી  લુણી, મુંદરા, ઝરપરા નવીનાળ થઇ માંડવી જતા માર્ગમાં પાંચ એકસીડેન્ટમાં ચાર જણાના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ચાર ઘવાયા હતા. ભુજથી દહીંસરા થઇ માંડવી વચ્ચે છ દુર્ઘટનામાં ચારના મોત અને પાંચ ઘાયલ થયા હતા. ભુજથી કેરા થઇ  મુંદરા સુધી રસ્તામાં પાંચ અકસ્માતમાં બેના મૃત્યુ અને ત્રણ ઘાયલ થયા છે. દેશલપર ચેક પોસ્ટથી તેરા-બિટ્ટા, નલિયાથી જખૌ સુધીના ધોરી માર્ગમાં છ અકસ્માતમાં એક મોત અને આઠ ઘવાયા છે. તો દહીંસરાથી ગઢશીશા, મઉં થઇ કોટડી મહાદેવપુરી થઇ દેઢિયા સુધીના માર્ગના બે ગંભીર અકસ્માતમાં ચાર ઘવાયા હતા. જ્યારે મોટા યક્ષ (નખત્રાણા)થી વડવાકાંયા-ગઢશીશા થઇ શેરડી, ડોણ, રાયણ થઇ માંડવી માર્ગમાં એક દુર્ઘટનામાં એકનું મોત અને એક ઘાયલ તેવી રીતે દયાપરથી પાનધ્રો થઇ નારાયણ સરોવર સુધીના માર્ગમાં પણ એક અકસ્માતમાં એકનું મોત અને એક વ્યક્તિ ઘવાઇ હતી. ઉપરાંત અન્ય આંતરિક માર્ગો અને ગામડાના રોડમાં 69 અકસ્માતો પૈકી 31 જેટલા ગંભીર અકસ્માતો હતા જેમાં 32 લોકોના જીવન દીપ બુઝાયા હતા જ્યારે 91 જેટલા ઘવાયા હતા. આમ કુલ્લ 186 એકસીડેન્ટમાં 82 ગંભીર, 86 ફેટલ અને 18 સામાન્ય અકસ્માતમાં 103ના મૃત્યુ થયા છે અને 225 લોકો ઘાયલ    થયા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer