તબીબ વિહોણું વિથોણ આરોગ્ય કેન્દ્ર `બીમાર'' : લોકોને થાય છે વ્યાપક હાલાકી

તબીબ વિહોણું વિથોણ આરોગ્ય કેન્દ્ર  `બીમાર'' : લોકોને થાય છે વ્યાપક હાલાકી
વિથોણ (તા. નખત્રાણા), તા. 11 : પશ્ચિમ કચ્છમાં આરોગ્ય બાબતે જિલ્લાનું તંત્ર એકદમ ઉદાસીન હોય તેવું લાગે છે. જ્યાં ખાસ ડોકટરોની જરૂર છે તેવા કેન્દ્રોમાં લાંબા સમયથી કોઇ તબીબ મૂકવામાં આવ્યા નથી. જેના કારણે દર્દીઓને રોજ ધરમના ધકા ખાવા પડે છે અને દવાખાનાનો સ્ટાફ પણ  ન હોવાથી ખાનગી તબીબ પાસે જવું પડે છે.  વિથોણનું પી.એચ.સી. કેન્દ્ર લાંબા સમયથી તબીબના વાંકે બીમાર છે કારણ કે  યોગ્ય તપાસ અને રોગનું નિદાન આપી શકે તેવા એમબીબીએસ તબીબ નથી. તબીબ માટે અગાઉ  જી. વિ. અધિકારીને રૂબરૂ મળીને તબીબ મૂકવા અનુરોધ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. વિથોણના દવાખાનામાં વિથોણ ઉપરાંત દેવપર, સાંયરા, ધાવડા, લાખિયારવીરા, ચાવડકા, મોરઝર, ભડલી, થરાવડા, રાણારા, કોટડા (થ.) અધોછની, આનંદનગર વિગેરે ગામોના દર્દીઓ પ્રાથમિક સારવાર માટે વિથોણના કેન્દ્રમાં આવે છે  પરંતુ તબીબ ન હોવાથી લોકો નિરાશ બનીને પાછા ફરે છે અને નાછુટકે ખાનગી તબીબ પાસે સારવાર લેવાની ફરજ પડે  છે.  અત્યારે વાદળછાયું વાતાવરણ હોવાથી માંદગી માથું ઉંચકે છે અને દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તબીબ ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દવાખાનાનો સ્ટાફ પણ ખાનગી તબીબ પાસે સારવાર લેવાની સલાહ આપે છે. બી.પી. અને મધુપ્રમેહ જેવા રોગોની લેબોટરી થાય છે પરંતુ દવા  આપવા માટે જવાબદાર તબીબની ખોટ વર્તાય છે. દિનેશભાઇરૂડાણીના જણાવ્યા અનુસાર વિથોણ સાથે તંત્ર ઓરમાયું વર્તન કરે છે. કેટલીયે રજૂઆતો છતાં તબીબને મૂકવામાં આવ્યા નથી.શ્રી રૂડાણીના જણાવ્યા અનુસાર ટુંક સમયમાં તબીબ નહીં મુકાય તો લોકો સરકારી કચેરીએ અનશન ઉપર બેસીને ધરણા કરશે તેવું જણાવવામાં આવ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer