કચ્છી માડુએ દસ કા દમમાં જીત્યા 36 લાખ

કચ્છી માડુએ દસ કા દમમાં જીત્યા 36 લાખ
ભુજ, તા. 11 : મૂળ સુથરી ગામના વતની અને હાલે મુંબઇમાં કાંદિવલીને કર્મભૂમિ બનાવનાર મુલેશ લાભશંકર જોશીએ સોની ટીવી પર આવતા સલમાન ખાનના શો દસ કા દમમાં કોઇપણ લાઇફલાઇન લીધા વિના 36 લાખ જેટલી માતબર રકમ જીતી હતી. તેઓ આ રકમ કચ્છના સત્કાર્યોમાં વાપરશે. તા. 10/7ના પ્રસારિત થયેલા આ ગેમ શોમાં સલમાનના પ્રશ્નોના જવાબ આપનારા મુલેશ જોશી કાંદિવલીમાં એચ.પી. ગેસ એજન્સી તેમજ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય સંભાળે છે. તેમના વડીલોએ મુંબઇને કર્મભૂમિ બનાવી હતી. કચ્છમિત્ર સાથે આ એપિસોડ રજૂ થયા પછી વાત કરતાં તેમણે કહ્યું કે, સલમાનને પહેલીવાર મળ્યો પણ તેના વર્તન ઉપરથી એવું લાગ્યું કે, એ મને વર્ષોથી ઓળખે છે. ગોરેગાંવ ફિલ્મ સિટીમાં ઊભા કરાયેલા સ્ટુડિયોમાં સલમાન સાથે પહેલી મુલાકાત મેકઅપ રૂમમાં થઇ હતી. તેમણે મુલેશભાઇને શૂટિંગ વખતે હળવાફૂલ રહેવા કહ્યું હતું. સલમાને પરિવાર અને તેમના વ્યવસાય વિશે પણ પૃચ્છા કરી હતી. મુલેશ જોશી આ જીતેલી રકમમાંથી શ્રદ્ધા અને આસ્થા સમાન પિંગલેશ્વર મહાદેવ ખાતે ચાલતા સેવારૂપ અન્નક્ષેત્રમાં આર્થિક યોગદાન આપશે, તો વડાપ્રધાનના મોટા પ્રશંસક હોવાને કારણે આગામી લોકસભા ચૂંટણી ટાણે  કચ્છના ઉમેદવારોના પ્રચાર-પ્રસારમાં પણ આ રકમ ખર્ચશે તેવી મહેચ્છા ધરાવે છે. કચ્છી સમાજનું આટલી માતબર રકમ જીતીને   ગૌરવ વધારનાર મુલેશ જોશીને અભિનંદન આપતાં કચ્છી રાજગોર સમાજ  મહાસભાના પ્રમુખ પ્રકાશભાઇ પેથાણીએ  વધુ કચ્છીઓ ફિલ્મ  અને ટીવી ક્ષેત્રે આગળ વધશે એવી ભાવના વ્યકત કરી હતી.  સલમાન ખાન પાસેથી જીતેલી રકમનો ચેક સ્વીકારતી વખતે  મુલેશભાઇ સાથે તેમના પત્ની રંજનબહેન અને મિત્ર રમેશભાઇ રાજગોર સ્ટેજ પર આવ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer