કરોડો રૂપિયા સલવાઇ જવાના મામલામાં કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર અપાયું

કરોડો રૂપિયા સલવાઇ જવાના મામલામાં કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર અપાયું
ભુજ, તા. 11 : બાંધકામ અને જમીનના વ્યવસાય સાથે સંલગ્ન અત્રેની નેશનલ કન્સ્ટ્રક્શન પેઢીના સંચાલકો પાસે સંખ્યાબંધ લોકોના સલવાયેલા કરોડો રૂપિયાના મામલામાં અઢીસોથી વધુ લોકોની લેખિત ફરિયાદ અને  રાજ્યની વડી અદાલતનું માર્ગદર્શન છતાં પણ પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાતી હોવાના મામલે આજે જેમનાં નાણાં સલવાયાં છે તેવા લોકોના સમૂહને સાથે રાખી રેલી કાઢી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધીક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.  આ પ્રકરણમાં ભોગ બનનારા પૈકી જે 258 જણે પોલીસને લેખિતમાં ફરિયાદ આપી છે તે બાબતે તાત્કાલિક ગુના દાખલ કરવામાં આવે અને જવાબદારોની ધરપકડ કરવામાં આવે તેવી માગણી આ આવેદનપત્રમાં કરવામાં આવી હતી, સાથે-સાથે આગામી સાત દિવસમાં આ વિશે જો યોગ્ય પગલાં ન લેવાય તો આત્મવિલોપન કરવાની તૈયારી પણ જિલ્લા સત્તાધીશો સમક્ષ લેખિતમાં બતાવાઇ હતી.  આ મામલામાં ચાર ફોજદારી કેસનો સામનો કરી રહેલા ધારાશાત્રી એસ.ટી. પટેલનાં પુત્રી હીરલ એસ. પટેલ દ્વારા ભોગ બનનારા લોકોને સાથે રાખીને આજે રજૂઆત-રેલીનો આ કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાં આકાશવાણી નજીક એક ખાનગી હોટલ ખાતે એકત્ર થયેલા આ સમૂહે રેલી સ્વરૂપે કલેક્ટર અને એસ.પી. કચેરીએ જઇને આવેદનપત્ર આપ્યું હતું.   દરમ્યાન એક મહિલા અરજદાર દ્વારા પોલીસ તરફથી દાદ ન મળતાં હાઇકોર્ટમાં ધા નખાતાં પોલીસને 10 દિવસની અવધિ અપાઇ હોવા છતાં કોઇ પગલાં લેવાયાં ન હોવાનું આવેદનપત્રમાં જણાવી ભોગ બનનારાઓની ફરિયાદ અન્વયે એફ.આઇ.આર. નોંધવા અને જવાબદારોની ધરપકડ સહિતનાં પગલાં લેવાની માગણી કરી જો સાત દિવસમાં યોગ્ય ન થાય તો આત્મવિલોપન કરવાની તૈયારી બતાવાઇ હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer