ગાંધીધામમાં લૂંટના આરોપીનું પોલીસે કાઢયું જાહેર સરઘસ

ગાંધીધામમાં લૂંટના આરોપીનું  પોલીસે કાઢયું જાહેર સરઘસ
ગાંધીધામ, તા. 11 : શહેરનાં રેલવે મથક સામે ઓવરબ્રિજ નીચે એક યુવાન પાસેથી રૂા. 3000ની લૂંટ ચલાવનાર કિડાણાના ઇસમનું એ-ડિવિઝન પોલીસે સરઘસ કાઢયું હતું. પોલીસના આવા વર્ષો પછીના પગલાંના કારણે આવા તત્ત્વોમાં છૂપો ભય પ્રસર્યો હતો. મુંદરાથી ગાંધીધામ પોતાના સંતાનની દવા લેવા આવેલા રામયતન નામના યુવાનને ગત તા. 9-7નાં ઢળતી બપોરે લૂંટી લેવાયો હતો. તારા થેલામાં ગાંજો છે તેમ કહી સિદિક નામના ઇસમે આ યુવાનની તલાશી લેવાનું શરૂ કર્યું હતું. દરમ્યાન તેની પાસેથી રોકડા રૂા. 3000ની લૂંટ કરી તેના જમણા હાથની નસ છરી વડે કાપી આ શખ્સ ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે તેને પકડી પાડયા બાદ આજે સવારે બનાવવાળી જગ્યાએ આ તહોમતદારને લઇ અવાયો હતો. જ્યાં તેનાથી બનાવનું પુનરાવર્તન કરાવાયું હતું બાદમાં ત્યાં જ તેને ઊઠબેસ કરાવી ચાવલા ચોક સુધી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ નજારો જોઇને લોકોનું ટોળું એકઠું થયું હતું. બાદમાં આ ઇસમને ભારતનગર બાજુ લઇ  જવાયો હતો. ત્યાં પણ તેનું સરઘસ કાઢવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઇસમ અગાઉ પણ આવા ગુનામાં આવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષો બાદ કોઇ તહોમતદારનું જાહેરમાં   સરઘસ કાઢવામાં આવતાં     આવા તત્ત્વોમાં છૂપો ભય પ્રસર્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer