`શરણાર્થી સ્વજનોને કચ્છ આવવા દો''

`શરણાર્થી સ્વજનોને કચ્છ આવવા દો''
ભુજ, તા. 11 : પાકિસ્તાનના સિંધ પ્રાન્તના પૂર્વ પ્રધાન તેમજ પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓના પ્રતિનિધિ રામસિંહ સોઢાએ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળીને આવેદનપત્ર સોંપતાં પાક હિન્દુ શરણાર્થીઓ માટે રાજ્ય સરકાર તરફથી ખાસ પેકેજ સહિતની માગણીઓ કરી હતી. કચ્છમાં વસતા ચારથી પાંચ હજાર શરણાર્થી સમુદાયના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા શ્રી સોઢાએ રૂબરૂ રજૂઆત બાદ જણાવ્યું હતું કે, ગૃહપ્રધાન શ્રી જાડેજાને ખાસ કરીને ભારતમાં આવતા સ્વજનો - પરિવારોને મળવા માટે કચ્છ આવવા પર પ્રતિબંધ દૂર કરવાની માગણી અંગે ચર્ચા બાદ યોગ્ય નિર્ણયની ખાતરી આપી હતી. પાક હિન્દુ શરણાર્થીઓના કુટુંબીઓ સામાજિક, ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપીને સામાજિક, પારિવારિક હૂંફ મેળવી શકે તે માટે કચ્છ આવવા પર પ્રતિબંધ દૂર કરીને ચોક્કસ વિસ્તાર નક્કી કરી આપવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રીને રૂબરૂ સોંપેલી રજૂઆતમાં સિંધ પ્રાન્તના લઘુમતી બાબતોના પ્રધાન રહી ચૂકેલા શ્રી સોઢાએ 1971ના યુદ્ધ પછી અપાઇ હતી એ જ રીતે નાગરિકત્વ મળ્યા પછી પાક હિન્દુ શરણાર્થીઓને ખેતીલાયક જમીન આપવાની અપીલ કરી હતી. પાકિસ્તાનમાં જમીન ખાતેદાર હતા અને તેના નક્કર આધાર-પુરાવા ધરાવતા હિન્દુ શરણાર્થીઓને અહીં પણ જમીન ખાતેદાર માનવાની વિનંતી પણ નખત્રાણામાં વસતા રામસિંહભાઇએ કરી હતી. ગૃહપ્રધાન શ્રી જાડેજા સમક્ષ ખાસ ભારપૂર્વકની રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં પાક હિન્દુઓના પરિવારો છે, પરંતુ ભારતમાં આવતાં તેમના સ્વજનોને પોતાના જ કુટુંબ સાથે રહેવા માટે કચ્છ આવવાની છૂટ અપાતી નથી. પરિણામે મોરબી જેવા સ્થળો સુધી લંબાવાની લાચારી કચ્છમાં વસતા શરણાર્થીઓને વેઠવી પડે છે. આ રજૂઆતના પ્રતિસાદમાં ગૃહમંત્રીએ ધરપત આપતાં જણાવ્યું હતું કે, હું કચ્છ આવીશ?ત્યારે હિતધારક શરણાર્થી પરિવારોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપું છું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer